ડભોઈમાં હાઈવા ટ્રકે વીજ પોલ -ખેંચી કાઢતાં વીજ પુરવઠો ખોરવાયો વીજ લાઇન તૂટી જતા તણખા ઝરતા અફડા તફડી મચીડભોઈ શહેરના વકીલ બંગલા નજીક આજે ડામર રોડના કામ માટે કપચી ભરેલી હાઈવા ટ્રકના કારણે ગંભીર ઘટના સર્જાઈ હતી. હાઈવા ટ્રક દ્વારા વીજ વાયરો સાથે વીજ પોલ ખેંચાઈ જતા પોલ મૂળમાંથી જ ઉખડી પડયો હતો, જેના કારણે વિસ્તારમાં અચાનક અફરાતફરી મચી ગઈ હતી.ડભોઈના વકીલ બંગલાથી સરકારી દવાખાના તરફ જઈ રહેલી હાઈવા ટ્રક ડામર માર્ગ બનાવવા માટે કપચી લઈ જઈ રહી હતી. આ દરમિયાન ટ્રકનાઉપરના ભાગે વીજ કેબલો ફસાતા જીવંત વીજ લાઈન સાથેનો વીજ પોલ ખેંચાઈ ગયો હતો. પોલ જમીનમાંથી ઉખડી પડતા ભારે સ્પાર્કિંગ થયું હતું અને આગના તણખા ઉડતા લોકોમાં ભય ફેલાયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ જીવ બચાવવા દોડધામ મચાવી દીધી હતી.

સદનસીબે, હાઈવા ટ્રકના ચાલકનો કોઈ જાનહાનિ વગરબચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક એમ.જી.વી.સી. એલ.ને જાણ કરવામાં આવી હતી, જેના પગલે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. બાદમાં જે.સી.બી. મશીનની મદદથી વીજ પોલને ઊંચો કરી છે હાઈવા ટ્રકને આગળ ખસેડવામાં આવી હતી. જોકે, કલાકોની મહેનત બાદ વીજ કર્મચારીઓ દ્વારા મરામત કાર્ય પૂર્ણ કરી વિસ્તારમાં ફરીથી વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ, વીજ કંપની દ્વારા હાઈવા ટ્રકના માલિક પાસેથી થયેલ નુકસાનની વસૂલાત માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડભોઈમાં આડેધડ દોડતા વાહનો સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.
Reporter : ફકીરા ખત્રી ડભોઈ


