વડોદરાના માંજલપુરમાં માત્ર 150 રૂપિયાની ઉઘરાણી બાબતે રિક્ષાચાલક પર બે શખ્સોએ ચપ્પુથી હુમલો કર્યો હતો. જે બાદ યુવક ગંભીર હાલતમાં SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.સંસ્કારી નગરી વડોદરા હવે અસંસ્કારી બની રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. વડોદરા શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે, ત્યારે માંજલપુર વિસ્તારમાં માત્ર 150 રૂપિયા જેવી નજીવી રકમ માટે એક યુવક પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. પૈસાની ઉઘરાણી કરતા મિત્રો જ દુશ્મન બન્યા હતા અને રિક્ષાચાલક યુવકને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટનાની મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના માંજલપુરમાં રહેતો એક રિક્ષાચાલક યુવક તેના બે મિત્રો પાસે અગાઉના બાકી નીકળતા 150 રૂપિયાની ઉઘરાણી કરતો હતો. આ પૈસા બાબતે તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તે સમયે રિક્ષાચાલકના પિતાએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો અને બંને યુવકો ત્યાંથી ચાલ્યા ગયા હતા. જોકે, આ મિત્રોના મનમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું.

ગઈકાલ રાત્રે જ્યારે રિક્ષાચાલક યુવક એકલો હતો, ત્યારે અચાનક આ બંને શખ્સો ચપ્પુ સાથે ત્રાટક્યા હતા. ઉઘરાણીનો ખાર રાખીને તેઓએ યુવક પર ચપ્પુથી ઉપરાછાપરી હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં યુવક ઢળી પડતા હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક વડોદરાની એસ.એસ.જી (SSG) હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા માંજલપુર પોલીસ કાફલો હોસ્પિટલ અને ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે હુમલાખોરો વિરૂદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. માત્ર દોઢસો રૂપિયા માટે મિત્રની જિંદગી જોખમમાં મૂકનાર આ નરાધમો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.


