પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી આ રોલિંગ પેપરનો ઉપયોગ નશા માટે કરતા લોકો સુધી પહોંચાડવા માટે શહેરના વિવિધ પાનના ગલ્લાઓ પર છૂટક વેચાણ કરતો હતો.
વડોદરામાં નશીલી પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે નવાપુરા પોલીસ મથકની ટીમે એક સફળ દરોડો પાડ્યો છે. પોલીસે ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરવામાં આવેલા ગોગો પેપર (રોલિંગ પેપર) ના કુલ 56 બોક્સ જપ્ત કર્યા છે. આ મામલે પોલીસે ગિરીશ ભારવાની નામના શખ્સની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી આ રોલિંગ પેપરનો ઉપયોગ નશા માટે કરતા લોકો સુધી પહોંચાડવા માટે શહેરના વિવિધ પાનના ગલ્લાઓ પર છૂટક વેચાણ કરતો હતો.

મહત્વનું છે કે, ગોગો પેપરનો ઉપયોગ સામાન્ય રીતે પ્રતિબંધિત માદક દ્રવ્યોના સેવન માટે કરવામાં આવતો હોવાથી પોલીસ આ બાબતે ખૂબ જ ગંભીર છે. નવાપુરા પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી આટલી મોટી માત્રામાં પેપરના બોક્સ ક્યાંથી લાવ્યો હતો? આ સાંકળમાં અન્ય કયા મોટા સપ્લાયરો સામેલ છે અને વડોદરાના કયા-કયા વિસ્તારોમાં આ માલ સપ્લાય કરવામાં આવતો હતો? પોલીસની આ કામગીરીને પગલે આવા પ્રતિબંધિત અને નશામાં સહાયક સાધનોનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. આગામી સમયમાં પોલીસ ગલ્લાઓ પર પણ આકસ્મિક ચેકિંગ કરે તેવી શક્યતા છે.


