વડોદરાના સેગવામાં 41 વર્ષીય આધેડે પત્ની સાથેના ઝઘડા બાદ નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. વડોદરા અને કરજણ ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સેગવા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ક્ષણિક આવેશમાં આવીને 41 વર્ષીય આધેડે કેનાલમાં કૂદીને મોતને વ્હાલું કર્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મૃતદેહની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ઘટનાની મળતી વિગતો અનુસાર, સેગવા ગામના રહેવાસી 41 વર્ષીય દિનેશભાઈ પરમારે પોતાની પત્ની પાસે રૂપિયાની માંગણી કરી હતી. જોકે, પત્નીએ રૂપિયા આપવાની ના પાડતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ દિનેશભાઈ ગુસ્સામાં ઘરેથી નીકળી ગયા હતા અને સેગવા-સીમળી પાસેથી પસાર થતી નર્મદા નિગમની કેનાલ પર પહોંચ્યા હતા.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આધેડ કેનાલની પાળી પર પોતાનું પેન્ટ કાઢીને સીધા પાણીમાં કૂદી પડ્યા હતા. ત્યાં હાજર બે વ્યક્તિઓએ તેમને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ પાણીનો વેણ એટલો પ્રચંડ હતો કે દિનેશભાઈ તેમાં તણાઈ ગયા હતા અને જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ વડોદરા અને કરજણ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. કેનાલના પાણીમાં બોટ ઉતારીને આધેડના મૃતદેહને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.


