વડોદરા શહેરના જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી પરિણીતા નેન્સીએ ગળે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લેવાના બનાવમાં નેન્સીના પરિવારજનોના આક્ષેપ બાદ જવાહરનગર પોલીસે પેનલ પીએમ કરાવ્યું હતું
વડોદરા શહેરના જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી પરિણીતા નેન્સીએ ગળે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લેવાના બનાવમાં નેન્સીના પરિવારજનોના આક્ષેપ બાદ જવાહરનગર પોલીસે પેનલ પીએમ કરાવ્યું હતું અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવાની તૈયારી દર્શાવી છે.

શહેરના બાજવા વિસ્તારમાં રહેતા ભાવેશ વાદીએ નેન્સી સોલંકી નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. નેન્સી ના લગ્નના દોઢ વર્ષનો સમયગાળો વિત્યો હતો ત્યાં જ ગતરોજ સાંજના સુમારે ઘરમાં તમામ સભ્યોની ગેરહાજરી વચ્ચે યુવતીએ પંખામાં સાડીનો છેડો ભરાવી સુસાઈડ કરી લીધું હોવા બાબતે તેના પતિ ભાવેશે પોલીસને જાણ કરી હતી.
જેને પગલે પોલીસે નેન્સીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં નેન્સીના પરિવારજનોને પણ આ બાબતની જાણ થતા તાત્કાલિક પરિવારજનો એસએસજી હોસ્પિટલ દોડી આવ્યા હતા. જે આક્ષેપો પ્રતિ આક્ષેપો ની વચ્ચે બંને પરિવારોમાં છૂટા હાથની મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા. જેને પગલે પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો.
યુવતી નેન્સીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા પૂર્વે નેન્સીના કાકા વિજય સોલંકી એ નેન્સીના સાસરી પક્ષ સામે આક્ષેપો કર્યા હતા જેમાં નેન્સીના ગળા ના ભાગે અને પાછળના ભાગે નિશાન હોવા ઉપરાંત નખ પણ વાગ્યા હોવાનું જણાવ્યું હતું.જોકે સમગ્ર પ્રકરણમાં તપાસ કરી રહેલ એસીપી આર.ડી.કવા એ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી જેમાં મરનાર યુવતીના પતિએ ગળે ફાંસો ખાધો હોવાનું જણાવ્યું હોવાની માહિતી આપી હતી જેના આધારે અમે યુવતીના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલમાં યુવતીના પરિવારજનો દ્વારા થયેલ આક્ષેપો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સાચી હકીકત જાણી શકાય તેમ છે. પોલીસ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જરૂરી કાર્યવાહી હાથ ધરશે. હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ ચાલુ છે.


