પરિણીત યુવકે પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો અને તારે મરવું હોય તો મરી જા તેમ કહેતા લાગણીશીલ બનેલી યુવતીએ આપઘાત કરી લીધો
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ગામની યુવતીને પરિણીત યુવકે પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો અને તારે મરવું હોય તો મરી જા તેમ કહેતા લાગણીશીલ બનેલી યુવતીએ આપઘાત કરી લીધો હતો. વડોદરાની ફતેગંજ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી
પોલીસ સુત્રોમાંથી મળેલી માહિતી પ્રમાણે કિશન જગદીશભાઇ ઠાકોર નામના પરિણીત યુવક અને યુવતી વચ્ચે મોબાઇલ ચેટ અને મુલાકાત દ્વારા પ્રેમ સંબંધ ઉભો થયો હતો. આરોપી પરિણીત હતો છતાં તે યુવતીને પોતાના સાથે લગ્ન કરવાનો ખોટો વાયદો આપતો રહ્યો.

પાછલા બે વર્ષથી બંને ફતેગંજ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા. આરોપો મુજબ કિશન યુવતીને વારંવાર ધમકાવતો હતો અને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે યુવતી લગ્નની વાત કરતી, ત્યારે આરોપીનો જવાબ હંમેશા “તારે મરવું હોય તો મરી જા, હું તારી સાથે લગ્ન કરવાનો નથી” એવો હોવાનો આરોપ છે.
આ ઘટનાઓના કારણે, યુવતી તણાવમાં આવી ગઇ અને બેડરૂમમાં પંખાના હુક સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો. ઘટના બાદ યુવતીના પિતાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં કિશન ઠાકોર વિરુદ્ધ આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા આપવાની ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદ આધારે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.


