વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની નવેમ્બર-ડિસેમ્બરની સેમેસ્ટર એન્ડ પરીક્ષાઓ લગભગ પૂરી થવાના આરે છે અને આ વખતે ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં આશ્ચર્યજનક રીતે ઘટાડો નોંધાયો છે.

સામાન્ય રીતે દરેક સેમેસ્ટર એન્ડ પરીક્ષામાં કાપલી કરતા પકડાતા વિદ્યાર્થીઓની સંખ્યા ૩૦૦ની આસપાસ રહેતી હોય છે.આ વખતે ૧૩૪ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયા છે.આમ કાપલીબાજોની સંખ્યામાં લગભગ ૫૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કોમર્સ ફેકલ્ટીની પરીક્ષા દરમિયાન વિજિલન્સ સ્કવોડનું ચેકિંગ નહીં થતું હોવાની બૂમો પણ ઉઠી હતી.જોકે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના સૂત્રોનું કહેવું છે કે, આ વખતે સુપરવાઈઝરોને પરીક્ષામાં કડક ચેકિંગ કરવાની સૂચના આપવામાં આવી હતી અને પરીક્ષા દરમિયાન સુપરવાઈઝરોની સંખ્યા પણ વધારવામાં આવી હતી.જેના કારણે ચોરી કરનારાઓની સંખ્યા ઘટી છે.
બીજી તરફ જે વિદ્યાર્થીઓ પર ગેરરીતિના આરોપ છે તેમની સુનાવણી આજે મળેલી અનફેરમીન્સ કમિટિની બેઠકમાં કરવામાં આવી હતી.હવે પછી વિદ્યાર્થીઓને સજાનો નિર્ણય લેવામાં આવશે.


