વાગરાથી પહાજ તરફ જતા માર્ગ પર રેલવે તંત્રની ઘોર બેદરકારીને કારણે એક ભયાનક દુર્ઘટના સર્જાતા સહેજમાં અટકી હતી. જ્યારે રેલવે ટ્રેક પરથી ટ્રેન પસાર થઈ રહી હતી,

ત્યારે સુરક્ષાના તમામ નિયમોને નેવે મૂકીને ફાટકના બંને બેરીયર ખુલ્લા હાલતમાં જોવા મળ્યા હતા. ફાટક ખુલ્લું હોવા છતાં ધસમસતી ટ્રેન પસાર થતા ત્યાં હાજર લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. સદનસીબે તે જ ક્ષણે કોઈ વાહન ટ્રેક પર ન હોવાથી અને જાગૃત નાગરિકોએ સમયસૂચકતા દાખવી બંને તરફથી આવતા વાહનોને રોકી દેતા એક મોટી જાનહાનિ ટળી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રેલવેની સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉઠ્યા છે. જોકે, રેલવે કર્મચારીઓએ ટેકનિકલ ખામીને કારણે નીચે ચેન લગાવી હોવાનો બચાવ કર્યો હતો, પરંતુ અંધારામાં વાહનચાલકો માટે આ અત્યંત જોખમી સાબિત થઈ શક્યું હોત. સ્થાનિકોમાં આ ગંભીર બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી છે.


