વડોદરા શહેરના પૂર્વ પશ્ચિમ વિસ્તારને જોડતા દાંડિયા બજાર અકોટા બ્રિજથી મુંજ મહુડા જતા રસ્તાની સાફ સફાઈ દરમિયાન દબાણ શાખાએ 7 જેટલા ઓટલાના સહિત ગેરકાયદે બનાવેલા ચારેક શેડ તોડી પાડ્યા હતા. જ્યારે દુકાનો અને ગલ્લાઓ આગળ લગાવેલા 20 જેટલા બોર્ડ ઉતારી ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબ્જે કરવામાં આવ્યો હતો. આવી જ રીતે શહેરના પૂર્વ વિસ્તારમાં વૃંદાવન ચાર રસ્તાથી સરદાર એસ્ટેટ સુધીના રોડ રસ્તાની સફાઈ દરમિયાન નડતરરૂપ હંગામી ગેરકાયદે દબાણો હટાવીને વધુ બે-ટ્રક સામાન કબજે કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્ર દ્વારા રોડ રસ્તા વચ્ચેના ડિવાઇડરોની પ્રતિદિન થતી સાફ-સફાઈમાં રોજે રોજ જુદા જુદા રોડ નક્કી કરવામાં આવે છે. આવી જ રીતે દાંડિયા બજાર અકોટા બ્રિજ પૂરો થતા જ મુંજ મહુડા સુધીના રસ્તાને ડિવાઇડરોની સાફ-સફાઈ કરવામાં આવી હતી. દરમિયાન રસ્તાની બંને બાજુએ થયેલા હંગામી દબાણો સહિત દુકાનો અને લારી ગલ્લા આગળ લગાવવામાં આવેલા 20 બોર્ડ ઉપરાંત માર્જિનની જગ્યામાંથી 7 ઓટલા બુલડોઝરથી તોડીને ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબજે કરવામાં આવ્યો હતો.


