શહેરના કમાટીબાગમાં આવેલું મધ્ય ગુજરાતનું એક માત્ર સરદાર પટેલ પ્લેનેટોરિયમ છેલ્લા અઢી વર્ષથી બંધ છે.હવે તેને ફરી શરુ કરવા માટેના ચક્રો ગતિમાન કરાયા છે.
મળતી વિગતો પ્રમાણે ૧૯૭૬માં શરુ કરાયેલા આ પ્લેનેટોરિયમનો ડોમ ૧૨.૫ ડાયામીટરનો ડોમ છે.જેના પર પ્રોજેકટર થકી આકાશ દર્શન કરાવવાની સાથે સાથે કોમેન્ટરી થકી બ્રહ્માંડની રસપ્રદ જાણકારી પૂરી પાડવામાં આવતી હતી.૨૦૨૩ના સપ્ટેબર મહિનામાં આ પ્રોજેકટર ખોટકાયું હતું અને તેનું સમારકામ શક્ય બન્યું નથી.

પ્લેનેટોરિયમના ઈન્ચાર્જ ડાયરેકટર ડો.પ્રત્યુષ પાટણકરનું કહેવું છે કે, એનેલોગ ટેકનોલોજી પર આધારિત પ્રોજેકટર જ્યારથી પ્લેનેટોરિયમ શરુ થયું ત્યારથી કામ કરી રહ્યું હતું.આ મશિનના પાર્ટસ પણ મળે તેમ નથી.જેના કારણે હવે ડિજિટલ ટેકનોલોજી આધારિત હાઈ રિઝોલ્યુશન પ્રોજેકટર વસાવીને પ્લેનેટોરિયમ ફરી કાર્યરત કરવાનો નિર્ણય લેવાયો છે.પ્રોજેકટર અને બીજા ફેરફાર સાથે લગભગ ૨૨ કરોડ રુપિયાના ખર્ચનો અંદાજ છે.મુંબઈ, અમદાવાદનીસ સાયન્સ સિટિની પ્લેનેટોરિયમની મુલાકાત લીધા બાદ મ્યુનિિસિપલ કોર્પોરેશનમાં સ્ટડી રિપોટ સુપરત કરવામાં આવ્યો છે અને ટેન્ડરો પણ મંગાવવામાં આવ્યા છે.તેમના જણાવ્યા પ્રમાણે આ પ્રક્રિયા એક મહિનામાં પૂરી થઈ જશે.વર્ષના અંત સુધીમાં પ્લેનેટોરિયમ ફરી કાર્યરત થાય તેવી આશા છે.
બ્રહ્માંડ દર્શન પહેલા કરતા વધારે રોચક બનશે
ત્રણ ભાષામાં કોમેન્ટરી સાંભળી શકાશે
ડો.પાટણકરનું કહેવું છે કે, નવા પ્લેનેટોરિયમમાં પણ ડોમ પર જ બ્રહ્માંડ દર્શન જોવા મળશે.આ માટે ડોમમાં કેટલાક ફેરફાર કરવા પડશે.અત્યાધુનિક પ્રોજેકટરના કારણે બ્રહ્માંડ દર્શનનો કાર્યક્રમ અગાઉના પ્રોજેકટર કરતા વધારે આકર્ષક રીતે નિહાળી શકાશે.તેની સાથે ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ ભાષામાં શહેરીજનો કોમેન્ટરી સાંભળી શકશે.દર વર્ષે નવા પ્રોગ્રામનો પણ ઉમેરો થશે.દરેક કાર્યક્રમ ૩૦ થી ૪૦ મિનિટનો રહેશે.દર્શકોને મુંબઈના નહેરુ પ્લેનેટોરિયમ જેવો અનુભવ થશે.


