75 વર્ષના એક વૃદ્ધાએ પોતાનો બળાપો ઠાલવતા જણાવ્યું હતું કે, ગંદા પાણીને કારણે વિસ્તારમાં બીમારી ફેલાવવાનો ભય છે, છતાં તંત્ર નિંભર બનીને બેઠું છે.
વડોદરાના વાડી વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી ભળવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ મામલે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આજે કોંગ્રેસ વોર્ડ પ્રમુખ તીર્થ બ્રહ્મભટ્ટની આગેવાનીમાં મોટી સંખ્યામાં સ્થાનિકોએ વોર્ડ ઓફિસ પર હલ્લાબોલ કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓ અને રહીશોએ દૂષિત પાણી ભરેલી બોટલો બતાવી તંત્ર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. 75 વર્ષના એક વૃદ્ધાએ પોતાનો બળાપો ઠાલવતા જણાવ્યું હતું કે, ગંદા પાણીને કારણે વિસ્તારમાં બીમારી ફેલાવવાનો ભય છે, છતાં તંત્ર નિંભર બનીને બેઠું છે.

જ્યારે વિરોધ કરવા પહોંચેલા લોકોએ અધિકારીની મુલાકાત લેવાનો પ્રયાસ કર્યો ત્યારે અધિકારી હાજર ન મળતા મામલો વધુ ગરમાયો હતો. રોષે ભરાયેલા રહીશો અને કોંગ્રેસના કાર્યકરોએ અધિકારીની ચેમ્બર બહાર જ ધરણા શરૂ કરી દીધા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તાત્કાલિક પોલીસ કાફલો બોલાવવામાં આવ્યો હતો. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ અગ્રણી તીર્થ બ્રહ્મભટ્ટની અટકાયત કરી હતી. સ્થાનિકોએ ચીમકી આપી છે કે જો વહેલી તકે શુદ્ધ પાણી પૂરું પાડવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.


