વડોદરા જિલ્લાના રાજકારણમાં છેલ્લા 24 કલાકમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે. રાયકા ગામના નિવાસી અને જિલ્લા પંચાયતના સદસ્ય કિરણસિંહ રાઠોડે પક્ષપલટાની એવી પલટી મારી કે, બંને મુખ્ય પક્ષોના નેતાઓ પણ અચંબિત થઈ ગયા. ભાજપ છોડી કોંગ્રેસમાં ગયેલા કિરણસિંહનો માત્ર એક જ દિવસમાં મોહભંગ થયો અને ઘર વાપસી કરીને પુનઃ ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો છે.
વડોદરા જિલ્લા પંચાયતના સદસ્ય કિરણસિંહ રાઠોડ છેલ્લા ત્રણ વર્ષથી ભાજપમાં સક્રિય હતા. જોકે, તાજેતરમાં કોંગ્રેસના અગ્રણીઓએ તેમનો સંપર્ક કર્યો હતો. આરોપ છે કે, કોંગ્રેસ દ્વારા તેમને અનેક પ્રકારની લોભામણી લાલચો, વચનો અને મોટા વાયદાઓ આપવામાં આવ્યા હતા. આ લાલચમાં આવીને કિરણસિંહે ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો.

કોંગ્રેસમાં જોડાયાના ગણતરીના કલાકોમાં જ કિરણસિંહને ભાન થયું કે, તેમને આપવામાં આવેલા વચનો માત્ર ‘હથેળીમાં ચાંદ’ બતાવવા જેવી વાતો હતી. કોંગ્રેસની આંતરિક સ્થિતિ અને વ્યવસ્થા જોઈને તેમનો મોહભંગ થયો હતો. કિરણસિંહે અનુભવ્યું કે જે લાલચો આપવામાં આવી હતી તે ક્યારેય પૂરી થવાની નથી. પરિણામે, એક જ દિવસમાં તેમણે પલટી મારી અને ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને પક્ષ પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા વ્યક્ત કરી.
ભાજપમાં પુનઃ જોડાયા બાદ કિરણસિંહ રાઠોડે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી જ એક સતત વિકાસશીલ પાર્ટી છે, જે પ્રજાકીય કાર્યોમાં માને છે. ભાજપ નાનામાં નાના માણસની ચિંતા કરે છે. કોંગ્રેસે મને લાલચ આપીને બોલાવ્યો હતો, પરંતુ 24 કલાકમાં જ મને સત્ય સમજાઈ ગયું અને મેં ફરીથી માતૃસંસ્થામાં આવવાનો નિર્ણય કર્યો.
આ ઘટનાને પગલે વડોદરાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે. કોંગ્રેસ માટે આ એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે એક મજબૂત સદસ્યને પોતાની તરફ ખેંચ્યાના એક જ દિવસમાં ગુમાવવો પડ્યો છે. બીજી તરફ, ભાજપે ફરી એકવાર સાબિત કર્યું છે કે તેમના સક્રિય કાર્યકરોને લાંબો સમય પક્ષથી દૂર રાખવા મુશ્કેલ છે.


