વલસાડ જિલ્લાના ઉંમરગામમાં આવેલી સોમનાથ ઓર્થોકેર કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ફાયર વિભાગની 3 ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો છે.
વલસાડ જિલ્લાના ઉદ્યોગ નગર ગણાતા ઉંમરગામમાં આજે એક મોટી આગની દુર્ઘટના સામે આવી છે. ઉંમરગામ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ‘સોમનાથ ઓર્થોકેર’ નામની કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગ લાગી ત્યારે કંપનીમાં અનેક કામદારો ફરજ પર હતા. આગની જ્વાળાઓ જોઈને કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે, સમયસૂચકતા વાપરીને તમામ કામદારોને તાત્કાલિક સુરક્ષિત રીતે કંપનીની બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે.

ઘટનાની જાણ થતા જ ઉંમરગામ ફાયર વિભાગની ત્રણથી વધુ ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે, તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી મુજબ, આગ કયા કારણોસર લાગી છે, તે હજુ જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ સત્તાવાર કારણ આગ બુઝાયા બાદ તપાસમાં જ બહાર આવશે. આ દુર્ઘટનામાં કંપનીની મશીનરી અને કાચા માલને મોટું નુકસાન થયું હોવાનો અંદાજ છે.


