વલસાડના ધરમપુરમાં છેલ્લા 3 દિવસથી લવજેહાદનો મુદ્દો ગરમાયો હતો અને વિધર્મી યુવક સગીરાને ભગાડી ગયો હતો અને તે વિધર્મી યુવક અને સગીરા મળી આવ્યા છે અને ધરમપુર પોલીસે બંનેની અટકાયત કરી છે.
વલસાડના ધરમપુરમાં લવ જેહાદ મામલે વિધર્મી યુવક અને સગીરા મળી આવ્યા છે, ધરમપુર પોલીસે બંનેની અટકાયત કરી સગીરાનું મેડિકલ કરાવ્યું છે અને વિધર્મી યુવકની ધરપકડ કરી પૂછપરછ હાથધરી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુર શહેરમાં લવ જેહાદનો કથિત કિસ્સો સામે આવતા સમગ્ર પંથકમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી. આ સાથે ધરમપુર શહેરના લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, એક વિધર્મી યુવક તેને ભગાડી ગયો છે. આ ઘટનાની જાણ થતાં જ સગીરાના પરિવારે તાત્કાલિક ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દીકરીના ગુમ થવાને પગલે પરિવાર શોકમાં ગરકાવ છે અને સુરક્ષિત પરત લાવવા વિનંતી કરી રહ્યો હતો. ઘટનાની વાયુવેગે જાણ થતા જ સ્થાનિક હિન્દુ સંગઠનો મેદાનમાં આવ્યા છે. સંગઠનો દ્વારા આ ઘટનાને ‘લવ જેહાદ’ ગણાવીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. હિન્દુ સંગઠનોએ પોલીસ પ્રશાસન સમક્ષ કડક માગ કરી હતી કે, આરોપી વિધર્મી યુવકને વહેલી તકે ઝડપી લેવામાં આવે અને સગીરાને હેમખેમ પરિવાર પાસે પહોંચાડવામાં આવે.
ધરમપુર તાલુકામાં બનેલી આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અરવિંદભાઈ પટેલ, તથા જિલ્લા પ્રમુખ હેમંતભાઈ સહિતના અગ્રણીઓ તાત્કાલિક એક્શનમાં આવ્યા છે. આ તમામ નેતાઓએ જિલ્લા પોલીસ વડા (SP) સાથે સીધું સંકલન સાધીને સગીરાને સત્વરે શોધી કાઢવા અને ગુનેગાર સામે દાખલારૂપ પગલાં લેવા માટે પોલીસ સાથે વાત પણ કરી હતી.


