HomeGujaratValsad : વાપીમાં બુરખા અને માસ્કની આડમાં લૂંટ, કટલેરીની દુકાનમાં મહિલા તસ્કરોએ...

Valsad : વાપીમાં બુરખા અને માસ્કની આડમાં લૂંટ, કટલેરીની દુકાનમાં મહિલા તસ્કરોએ કર્યો હાથફેરો

વલસાડ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા વાપી શહેરમાં તસ્કરો હવે અવનવી તરકીબો અજમાવી રહ્યા છે. વાપીના ગુંજન વિસ્તારમાં આવેલી એક કટલેરીની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા તસ્કરોએ દુકાનદારની નજર ચૂકવી ચોરી આચરી હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના બે અલગ-અલગ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

વાયરલ થયેલા પ્રથમ વીડિયોમાં જોઈ શકાય છે કે, બુરખો પહેરીને આવેલી ત્રણ મહિલાઓ ખરીદી કરવાના બહાને દુકાનમાં પ્રવેશે છે. દુકાનદાર જ્યારે અન્ય ગ્રાહકોમાં વ્યસ્ત હોય છે, ત્યારે આ મહિલાઓ અત્યંત ચાલાકીપૂર્વક કટલેરીની વસ્તુઓ પોતાની પાસે રાખેલી થેલીમાં છુપાવી લે છે. પોતાની ઓળખ છુપાવવા માટે તેઓએ મોઢા પર માસ્ક પણ પહેર્યા હતા.

આ જ દુકાનનો બીજો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક પુરૂષ અને એક સ્ત્રી ચોરી કરતા દેખાઈ રહ્યા છે. આ બંનેએ પણ ચહેરો છુપાવવા માટે માસ્કનો સહારો લીધો હતો. તેઓએ પણ ખરીદીના બહાને દુકાનદારની નજર ચૂકવી કિંમતી સામાનની ચોરી કરી હતી. એક જ દુકાનમાં અલગ-અલગ સમયે બનેલી ચોરીની આ બે ઘટનાઓએ વેપારીઓમાં ચિંતા જન્માવી છે.

દુકાનદાર દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હોવાનું મનાય છે. સીસીટીવી ફૂટેજમાં તસ્કરોની હિલચાલ સ્પષ્ટ દેખાઈ રહી હોવાથી પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગુંજન જેવા ભરચક વિસ્તારમાં આ પ્રકારે ધોળા દિવસે થતી ચોરીની ઘટનાઓએ સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments