વલસાડની બેન્કમાં રોકડ જમા કરાવવા ગયેલા એક સ્થાનિક યુવક પાસેથી રૂ. 500ના દરની 40 જેટલી ડુપ્લીકેટ નોટો મળી આવતા બેન્ક સંકુલમાં ભારે હોબાળો મચી ગયો હતો.
વલસાડ જિલ્લાના સરીગામ વિસ્તારમાં નકલી નોટોના મોટા નેટવર્કની આશંકા જગાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સરીગામની HDFC બેન્કમાં રોકડ જમા કરાવવા ગયેલા એક સ્થાનિક યુવક પાસેથી રૂ. 500ના દરની 40 જેટલી ડુપ્લીકેટ નોટો મળી આવતા બેન્ક સંકુલમાં ભારે હોબાળો મચી ગયો હતો. આ મામલે બેન્ક મેનેજરની સતર્કતાને પગલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, સરીગામનો એક સ્થાનિક શખ્સ પોતાની પાસે રહેલી અંદાજે ૧.૫૦ લાખ રૂપિયાની રોકડ રકમ સરીગામ સ્થિત HDFC બેન્કમાં જમા કરાવવા માટે પહોંચ્યો હતો. જ્યારે બેન્ક કર્મચારી દ્વારા નોટોની ચકાસણી કરવામાં આવી ત્યારે મશીન અને મેન્યુઅલ ચેકિંગ દરમિયાન કેટલીક નોટો શંકાસ્પદ જણાઈ હતી. ઊંડાણપૂર્વકની તપાસમાં જાણવા મળ્યું કે, કુલ રકમમાંથી ૪૦ નોટો ડુપ્લીકેટ હતી.આ બાબતની જાણ થતા જ બેન્ક મેનેજરે તાત્કાલિક ધોરણે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈને ભિલાડ પોલીસની ટીમ તુરંત બેન્ક પર પહોંચી હતી અને નકલી નોટો કબજે કરી પૈસા જમા કરાવવા આવનાર યુવકની અટકાયત કરી હતી.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. અટકાયત કરાયેલ યુવક સરીગામની જ એક ખાનગી એન્ટરપ્રાઇઝ કંપનીમાં કામ કરે છે. તે આ પૈસા કંપનીમાંથી લઈને બેન્કમાં જમા કરાવવા આવ્યો હોવાનું તેણે નિવેદન આપ્યું છે.કર્મચારીઓની પૂછપરછ: પોલીસે બેન્ક કર્મચારીઓના નિવેદનો નોંધ્યા છે.પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આટલી મોટી સંખ્યામાં નકલી નોટો કંપની પાસે ક્યાંથી આવી? શું આ કોઈ મોટા રેકેટનો ભાગ છે?હાલમાં પોલીસે યુવકની અટકાયત કરી છે અને તેની વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.


