અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર અને હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચે ચાલી રહેલો વિવાદ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. આ વિવાદની સીધી અસર તે ભારતીય વિદ્યાર્થીઓ પર પણ થવા લાગી છે જેઓ અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા છે અથવા ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અમેરિકા જવાનું આયોજન કરી રહ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે હાર્વર્ડ યુનિવર્સિટી સાથેના અનેક સરકારી કરારો રદ કરવાનો આદેશ આપ્યો છે, અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વિઝા ઇન્ટરવ્યુ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
યુએસ જનરલ સર્વિસીસ એડમિનિસ્ટ્રેશન (GSA) એ તમામ ફેડરલ વિભાગોને હાર્વર્ડ યુનિવર્સિટી સાથે ચાલી રહેલા તમામ કરારો તાત્કાલિક સમાપ્ત કરવા સૂચના આપી છે. આ સાથે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે હાર્વર્ડમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, બોસ્ટનની ફેડરલ કોર્ટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની યુનિવર્સિટી સામેની કાર્યવાહીને અસ્થાયી રૂપે અવરોધિત કરી દીધી છે.
સરકારે વધુ વિઝા ઇન્ટરવ્યુ પર પ્રતિબંધ મૂક્યો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ લેવાનું વિચારી રહેલા વિદ્યાર્થીઓ વિઝા ઇન્ટરવ્યુ આપી શકશે નહીં. આ પગલું વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી માટે મોટો આંચકો સાબિત થઈ શકે છે કારણ કે લાખો ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા છે.
તાજેતરમાં સોશિયલ મીડિયા દ્વારા ટ્રમ્પે કહ્યું હતું કે, “અમે હજુ પણ હાર્વર્ડના વિદેશી વિદ્યાર્થીઓની યાદીની રાહ જોઈ રહ્યા છીએ,” તેમનું માનવું છે કે આવા વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બની શકે છે. જોકે, સરકાર પાસે પહેલાથી જ બધા વિદેશી વિદ્યાર્થીઓના વિઝા અને ઇમિગ્રેશન રેકોર્ડ છે.
જેમાં કહેવામાં આવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારતમાંથી અભ્યાસ માટે અમેરિકા જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. ખાસ કરીને 2023-24 ના શૈક્ષણિક સત્રમાં, ભારતના વિદ્યાર્થીઓએ અમેરિકામાં ચીની વિદ્યાર્થીઓની સંખ્યાને વટાવી દીધી છે. ‘ઓપન ડોર્સ 2024’ રિપોર્ટ મુજબ, હવે કુલ 3.31 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા છે, જે ત્યાંના કુલ 11 લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના લગભગ 29.4 ટકા છે.