મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવભર્યા સંઘર્ષમાં હવે એક મોટો વળાંક આવ્યો છે. ઈરાનના સમર્થન સાથે યમનના હૂતી બળોએ યુદ્ધમાં સત્તાવાર રીતે પ્રવેશ કર્યો છે. ઈઝરાયેલ પર મિસાઇલ હુમલાઓ કરીને હૂતી સંગઠને પોતાની હાજરી દર્શાવી છે, જેના કારણે અસુરક્ષા ફેલાઈ છે.
આ ઘટનાને માત્ર એક હુમલો તરીકે નહીં, પરંતુ યુદ્ધ વધી શકે તેવા સંકેત છે.જે ખુબ જ ચિંતાજનક છે. અત્યાર સુધી ઈઝરાયેલ અને ગાઝા પટ્ટી વચ્ચે મર્યાદિત રહેલું સંઘર્ષ હવે વધુ દેશો અને જૂથોને ખેંચી રહ્યું છે. હૂતી બળોની એન્ટ્રીથી આ યુદ્ધ હવે એક પ્રાદેશિક સંઘર્ષ બની શકે તેવી શક્યતા વધી છે.
હૂતી યમનનો એક રાજકીય અને સૈન્ય જૂથ છે, જે 2000ના દાયકામાં ઉદ્ભવ્યો હતો. આ જૂથનું નામ તેના સ્થાપક હુસૈન અલ-હૂતી પરથી પડ્યું છે. આજે તેઓ યમનના ઉત્તર ભાગના મોટા વિસ્તાર પર નિયંત્રણ ધરાવે છે. હૂતી બળોને ઈરાનનો સમર્થન મળતું હોવા છતાં, તેઓ સંપૂર્ણપણે ઈરાનના પ્રતિનિધિ નથી.તેઓ પોતાના દેશના આંતરિક હિતોને પણ મહત્ત્વ આપે છે.ઈરાન તરફથી મળેલી આધુનિક મિસાઇલ ટેક્નોલોજીથી હૂતી બળોની શક્તિ વધી છે.તેઓ યમનમાં જ હથિયારો બનાવવાની અને એસેમ્બલ કરવાની ક્ષમતા પણ ધરાવે છે.આ કારણે તેઓ માત્ર એક સ્થાનિક જૂથ નહીં,પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે અસર પાડનાર શક્તિ બની ગયા છે.

2014માં હૂતી બળોએ યમનની રાજધાની સના પર કબજો જમાવ્યો હતો, જેના પછી યમનમાં ગૃહયુદ્ધ શરૂ થયું. આ યુદ્ધમાં સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળ હવાઈ હુમલાઓ કરવામાં આવ્યા હતા,આ હુમલાઓમાં હજારો નિર્દોષ નાગરિકોના મોત થયા હતા.પછીથી હૂતી બળો સામે અનેક વખત અમેરિકી હવાઈ હુમલાઓ થયા, છતાં તેઓને સંપૂર્ણપણે રોકી શકાયા નથી. 2024 અને 2025 દરમિયાન રેડ સી વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય જહાજો પર હુમલાઓને લઈને પણ તણાવ વધ્યો હતો.
હૂતી બળોની સૌથી મોટી અસર રેડ સીમાં જોવા મળી શકે છે. અગાઉ પણ તેઓએ નવેમ્બર 2023થી જાન્યુઆરી 2025 વચ્ચે 100થી વધુ વેપારી જહાજો પર હુમલાઓ કર્યા હતા. આ હુમલાઓના કારણે વૈશ્વિક શિપિંગ પર મોટો પ્રભાવ પડ્યો હતો.
જો હૂતી ફરીથી રેડ સીમાં જહાજોને નિશાન બનાવે છે, તો પરિસ્થિતિ ગંભીર બની શકે છે. ખાસ કરીને બાબ અલ-મંદબ જળમાર્ગ બંધ કરવાની કોશિશ થાય, તો વૈશ્વિક વેપાર માટે મોટો ખતરો ઉભો થઈ શકે છે. આ માર્ગ દ્વારા લગભગ 15% વૈશ્વિક સમુદ્રી વેપાર થાય છે, જેમાં 30% કન્ટેનર ટ્રાફિકનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, સુએઝ કેનાલ મારફતે યુરોપ અને એશિયા વચ્ચેનો વેપાર પણ પ્રભાવિત થઈ શકે છે. જો આ માર્ગ અવરોધિત થાય, તો જહાજોને આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપ દ્વારા લાંબી મુસાફરી કરવી પડશે, જેનાથી સમય અને ખર્ચ બંનેમાં વધારો થશે.
વિશ્લેષકોના મત અનુસાર, જો હૂતી બળો માત્ર ઈઝરાયેલ પર મિસાઇલ હુમલાઓ સુધી મર્યાદિત રહે, તો યુદ્ધ પર મોટો પ્રભાવ નહીં પડે, કારણ કે ઈઝરાયેલ પાસે મજબૂત એન્ટી-મિસાઇલ સિસ્ટમ છે. પરંતુ જો તેઓ રેડ સી વિસ્તારમાં હુમલાઓ વધારશે, તો યુદ્ધનો વ્યાપ અને અસર બંને વધી શકે છે.આ પરિસ્થિતિમાં તેલ અને કુદરતી ગેસની કિંમતોમાં વધારો થવાની શક્યતા છે, જે વૈશ્વિક અર્થતંત્રને અસર કરી શકે છે. પહેલાથી જ તણાવગ્રસ્ત આંતરરાષ્ટ્રીય બજારો પર આની વધુ દબાણ આવી શકે છે.
હૂતી બળોની એન્ટ્રી મિડલ ઈસ્ટના યુદ્ધમાં એક મહત્વપૂર્ણ વળાંક છે. આ માત્ર એક નવા મોરચાની શરૂઆત નથી, પરંતુ વૈશ્વિક સ્તરે તેની અસર પડી શકે તેવું સંકેત છે. જો આ સંઘર્ષ વધુ વિસ્તરે, તો તેની અસર માત્ર યુદ્ધગ્રસ્ત દેશો સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ સમગ્ર વિશ્વને તેની અસર અનુભવવી પડશે.


