અમેરિકા અને ઈરાન વચ્ચેની જંગે અમેરિકામાં વધી તણાવની સ્થિતિ.અમેરિકાની જનતા યુદ્ધ વહેલીતકે સમાપ્ત કરવા માંગે છે.સૈન્ય કાર્યવાહી સામે લોકોમાં અસંતોષ ફેલાયો છે.
અમેરિકા અને ઈરાન વચ્ચેની જંગે તણાવની સ્થિતિ વધારી છે.ઈરાન યુદ્ધ અમેરિકામાં ભારે ચર્ચાનો વિષય બની ગઈ છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ યુદ્ધ હવે રાજકીય રીતે પડકારરૂપ બનતું જાય છે.તાજેતરના સર્વેમાં ખુલાસો થયો છે કે અમેરિકાની મોટાભાગની જનતા ઈરાન સામે ચાલી રહેલી લડાઈમાંથી તરત બહાર નીકળવાની માંગ કરી રહી છે.
એક સર્વે મુજબ 60 ટકા અમેરિકનો યુદ્ધને લાંબુ ખેચવા નથી માગતા. લોકોનું માનવું છે કે યુદ્ધ લાંબું ખેંચવાના બદલે અમેરિકા ઝડપથી યુદ્ધને સમાપ્ત કરે.આ સર્વે શુક્રવારથી રવિવાર વચ્ચે કરવામાં આવ્યો હતો,મોટી સંખ્યામાં લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી.
સર્વે અનુસાર 66 ટકા લોકોએ કહ્યું કે અમેરિકા ઈરાન સામેની જંગમાંથી વહેલી તકે બહાર નીકળવાનો પ્રયાસ કરે.જ્યારે 27 ટકા લોકોનું માનવું છે કે અમેરિકા પોતાના તમામ લક્ષ્યો હાંસલ થાય ત્યાં સુધી યુદ્ધ ચાલુ રાખવું જોઈએ,ભલે તે લાંબો સમય કેમ ન લાગે.તો બીજી તરફ 6 ટકા લોકોએ કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો.મહત્વની વાત એ છે કે ટ્રમ્પની પોતાની રીપબ્લીક પાર્ટીમાં પણ મતભેદ જોવા મળ્યો.પાર્ટીના સમર્થકોમાં 40 ટકા લોકોએ યુદ્ધ વહેલું પૂર્ણ કરવાની વાત કરી,જ્યારે 57 ટકા લોકો લાંબા સમય સુધી યુદ્ધ ચાલુ રાખવાના પક્ષમાં રહ્યા.આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે ટ્રમ્પને પોતાના રાજકીય ગઢમાં પણ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.
સર્વેમાં 60 ટકા અમેરિકનોએ કહ્યું કે તેઓ ઈરાન પર અમેરિકાના સૈન્ય હુમલાને યોગ્ય નથી માનતા.જ્યારે માત્ર 35 ટકા લોકોએ આ હુમલાનું સમર્થન કર્યું છે.આ આંકડા દર્શાવે છે કે યુદ્ધને લઈને લોકોમાં અસંતોષ અને ચિંતા વધી રહી છે.
યુદ્ધનો સૌથી મોટો પ્રભાવ અમેરિકાના સામાન્ય નાગરિકો પર આર્થિક રીતે પડી રહ્યો છે.ખાસ કરીને પેટ્રોલના વધતા ભાવ લોકો માટે મોટી ચિંતા બની ગયા છે. તાજેતરમાં પેટ્રોલના ભાવ ત્રણ વર્ષ પછી પહેલી વાર 4 ડોલર પ્રતિ ગેલનને પાર ગયા છે.

સર્વેમાં સામેલ ત્રણમાંથી બે લોકોએ કહ્યું કે આવતા એક વર્ષમાં પેટ્રોલના ભાવ વધુ વધી શકે છે.આમાં 40 ટકા રિપબ્લિકન સમર્થકો પણ સામેલ છે.એટલે કે યુદ્ધનો આર્થિક બોજ માત્ર વિરોધી પક્ષ સુધી મર્યાદિત નથી,પરંતુ ટ્રમ્પના સમર્થકોમાં પણ તેનો પ્રભાવ અનુભવી રહ્યા છે.
આ યુદ્ધનો રાજકીય પ્રભાવ પણ જોવા મળી શકે છે. નવેમ્બરમાં અમેરિકામાં મધ્યાવધિ ચૂંટણી યોજાવાની છે, જેમાં Republican Partyને મતદાતાઓનો સામનો કરવો પડશે. આ ચૂંટણીથી નક્કી થશે કે પાર્ટી સંસદના બંને ગૃહોમાં પોતાની પકડ જાળવી શકશે કે નહીં.સર્વેમાં અડધાથી વધુ લોકોએ માન્યું કે આ યુદ્ધ તેમની વ્યક્તિગત આર્થિક સ્થિતિ પર પણ નકારાત્મક અસર કરશે.તેમાં 39 ટકા રિપબ્લિકન સમર્થકોનો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે મધ્યાવધિ ચૂંટણીમાં સત્તારૂઢ પક્ષને નુકસાન થતું હોય છે,અને હાલની પરિસ્થિતિને જોતા ટ્રમ્પ સરકાર માટે આ ચૂંટણી વધુ પડકારજનક બની શકે છે.
ઈરાન સામેની જંગમાં અમેરિકાની અંદર વધતો વિરોધ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ચિંતાજનક સંકેત છે.એક તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવ વધી રહ્યો છે તો બીજી તરફ દેશની અંદરથી રાજકીય અને આર્થિક દબાણ વધી રહ્યું છે.આવી સ્થિતિમાં ટ્રમ્પ સરકાર માટે આગળનો રસ્તો સરળ નથી અને આવનારા દિવસોમાં આ મુદ્દો અમેરિકાની રાજનીતિમાં કેન્દ્રસ્થાન પર રહેવાની સંભાવના છે.


