HomeWorldWorld : ઊર્જા સંકટ વચ્ચે ભારતની રશિયા પાસેથી LNG ખરીદવાની તૈયારી, અમેરિકા...

World : ઊર્જા સંકટ વચ્ચે ભારતની રશિયા પાસેથી LNG ખરીદવાની તૈયારી, અમેરિકા પાસે મંજૂરી માંગ્યાના પણ અહેવાલ

અમેરિકા અને ઈરાન વચ્ચે સતત વધી રહેલા લશ્કરી તણાવને કારણે હોર્મુઝની ખાડીના જળ માર્ગમાંથી પસાર થવું જોખમી થઈ ગયું છે. આ સ્થિતિમાં, ભારતે પોતાની ઊર્જા જરૂરિયાતોને સુનિશ્ચિત કરવા માટે રશિયા પાસેથી લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)ની ખરીદી ફરી શરૂ કરવાની તૈયારી કરી છે. અહેવાલો અનુસાર, આ માટે ભારતે અમેરિકન સરકાર પાસે ખાસ મંજૂરી (વેપારી પ્રતિબંધોમાંથી મુક્તિ) પણ માંગી છે.

યુક્રેન સંઘર્ષ શરૂ થયો ત્યારથી ભારત અને રશિયા વચ્ચે સીધો એલએનજી પુરવઠો બંધ થઈ ગયો હતો. હવે, બંને દેશ વચ્ચે આ પુરવઠો ફરી શરૂ કરવા માટે સહમતિ સધાઈ છે. સૂત્રોએ જણાવ્યું છે કે જો ભારત આગળ વધવાનો નિર્ણય કરશે, તો આ ચર્ચા થોડા જ સપ્તાહમાં પૂર્ણ થઈ શકે છે. જો કે, રશિયન ઊર્જા ક્ષેત્ર પર લાગેલા પશ્ચિમી પ્રતિબંધોને કારણે આવી વ્યવસ્થા તકનીકી રીતે પ્રતિબંધોનું ઉલ્લંઘન ગણાઈ શકે છે.

નવી દિલ્હીમાં 19 માર્ચે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી અને રશિયાના ડેપ્યુટી એનર્જી મિનિસ્ટર પાવેલ સોરોકિન વચ્ચે મહત્ત્વની બેઠક થઈ હતી. આ બેઠકમાં જ એલએનજી કરારની શક્યતાઓ તપાસવા મુદ્દે સહમતિ સધાઈ હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, ભારતે સ્થાનિક ઊર્જા આયાતકારોને પણ રશિયન એલએનજીની ખરીદી ફરી શરૂ કરવાની તૈયારીના સંકેત આપી દીધા છે.

ભારત સરકારે અમેરિકા પાસે આ પ્રતિબંધોમાંથી મુક્તિ મેળવવાની શક્યતા શોધી રહી છે. નિષ્ણાતો માને છે કે 2012માં GAIL અને રશિયાની ગેઝપ્રોમ કંપની વચ્ચે થયેલા લાંબા ગાળાના કરારની તુલનામાં હવે થનારો કોઈ પણ નવો કરાર ભારત માટે ઓછો ફાયદાકારક રહેશે. માંગની તુલનામાં પુરવઠો ઓછો હોય ત્યારે ઊર્જાના કોઈપણ સ્ત્રોતનો ભાવ વધી જ જતો હોય છે. હાલમાં ઊર્જા બજારમાં ‘seller’s market’ (વેચનારનું બજાર) જેવી સ્થિતિ હોવાથી ભારતને પણ નવો કોઈપણ સોદો અગાઉ કરતાં મોંઘો જ પડવાનો છે.

અમેરિકા-ઈરાન તણાવને કારણે હોર્મુઝની ખાડીના જળ માર્ગે ક્રૂડ ઓઈલના પુરવઠામાં અડચણો આવી રહી છે. આ વાતને ધ્યાનમાં રાખીને ભારતે રશિયન ક્રૂડ ઓઈલની ખરીદીમાં પહેલેથી જ ભારે વધારો કર્યો છે. આંકડા કહે છે કે, ફેબ્રુઆરીના અંતથી શરૂ થયેલા સંઘર્ષ બાદ ભારતે લગભગ 50 થી 60 મિલિયન બેરલ રશિયન ક્રૂડ ઓઈલ ખરીદી લીધું છે. અમેરિકાએ પણ વૈશ્વિક ભાવ નિયંત્રણમાં રાખવા ભારતને આ ખરીદી માટે 30 દિવસની છૂટ આપી છે.

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષે માત્ર તેલના ભાવ જ નહીં, પરંતુ વૈશ્વિક એલએનજી બજારને પણ અસ્થિર બનાવી દીધું છે. કતાર અને યુએઈ જેવા દેશોમાં મહત્ત્વના ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે, જેના કારણે ભવિષ્યમાં ગેસના ઉત્પાદન અને પુરવઠા અંગે ચિંતા વધી છે.

નિષ્ણાતોનું માનવું છે કે સંઘર્ષમાં ક્ષતિગ્રસ્ત થયેલી સુવિધાઓને પુનઃસ્થાપિત કરવામાં ત્રણથી પાંચ વર્ષ લાગી શકે છે. આ કારણસર S & P ગ્લોબલ, ICIS જેવી કન્સલ્ટન્સી સંસ્થાઓએ તેમના વૈશ્વિક પુરવઠાના અંદાજમાં મોટો ઘટાડો કર્યો છે. આ ઘટાડો લગભગ 500 એલએનજી કાર્ગો જેટલો છે, જે જાપાનની વાર્ષિક આયાતના અડધા જેટલો અથવા બાંગ્લાદેશની પાંચ વર્ષની જરૂરિયાત જેટલો થાય છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું છે કે ભારત ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અનેક દેશો સાથે ચર્ચા કરી રહ્યું છે. ભારત મોટા પ્રમાણમાં એલપીજી અને એલએનજી આયાત કરે છે. તેથી હાલના સંજોગોમાં વૈકલ્પિક સ્ત્રોતોમાંથી ખરીદી વધારવી એ તેની મુખ્ય પ્રાથમિકતા છે.

ઉલ્લેખનીય છે કે ભારત રશિયાથી લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી)ની આયાત પણ કરે છે. મુખ્યત્વે રસોઈ માટે ઉપયોગમાં લેવાતો એલપીજી નાગરિકોની મૂળભૂત જરૂરિયાતની વસ્તુ ગણાતો હોવાથી પશ્ચિમી દેશોએ તેના પર સીધા પ્રતિબંધો લાદ્યા નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments