પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે કતારથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. રવિવારે વહેલી સવારે કતારના દરિયાઈ વિસ્તારમાં એક હેલિકોપ્ટર અકસ્માતનો ભોગ બન્યું હતું. જેમાં 6 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. કતારના આંતરિક મંત્રાલયે આ દુર્ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, અકસ્માત બાદ એક વ્યક્તિ હજુ પણ ગુમ છે, જેની શોધખોળ માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
દુર્ઘટનાની જાણ થતાની સાથે જ કોસ્ટગાર્ડ અને રેસ્ક્યુ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે, સમુદ્રની પ્રતિકૂળ સ્થિતિ અને ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે. ગુમ વ્યક્તિને શોધવા માટે આધુનિક સર્વેલન્સ સાધનો અને પ્રશિક્ષિત જવાનોની મદદ લેવામાં આવી રહી છે. કતારના સંરક્ષણ મંત્રાલયે પણ આ અકસ્માત અંગે પ્રાથમિક જાણકારી આપી હતી.

કતાર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય માટે અનેક યુનિટ્સ તૈનાત કરવામાં આવ્યા છે. ગુમ વ્યક્તિને શોધવા અને અકસ્માતના કારણોની તપાસ કરવા માટે રેસ્ક્યુ જહાજો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. સરકાર હવામાન અને સમુદ્રી મોજાની સ્થિતિ પર પણ સતત નજર રાખી રહી છે જેથી બચાવ કામગીરી સુરક્ષિત રીતે આગળ વધારી શકાય.


