નેપાળની રાજનીતિમાં એક મહત્વપૂર્ણ અને માનવતાવાદી નિર્ણય સામે આવ્યો છે. નેપાળના નવા પ્રધાનમંત્રી બાલેન શાહએ સત્તા સંભાળતા જ ‘Gen-Z ’આંદોલનમાં જીવ ગુમાવનારા 27 વિદ્યાર્થીના પરિવારને સરકારી નોકરી આપવાનો મોટો નિર્ણય અમલમાં મૂક્યો છે.
8 સપ્ટેમ્બરે થયેલા ‘Gen-Z ’ આંદોલન દરમિયાન પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. પોલીસે કરેલી ફાયરિંગના પહેલા જ દિવસે 19 વિદ્યાર્થીઓના મોત થયા હતા. ત્યારબાદ, બીજા દિવસે સારવાર દરમિયાન વધુ 8 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો અને જનતા વચ્ચે ભારે રોષ ફાટી નીકળ્યો હતો.વિદ્યાર્થીઓના મોત બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા અને સરકાર પર સતત દબાણ વધતું ગયું હતું કે પીડિત પરિવારોને ન્યાય અને આર્થિક સહાય આપવામાં આવે.

પ્રધાનમંત્રી બન્યા બાદ બલેન શાહની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં જ આ મુદ્દાને પ્રાથમિકતા આપવામાં આવી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે આંદોલનમાં મોતને ભેટેલા વિદ્યાર્થીઓના નજીકના પરિવારજનોને સરકારી નોકરી આપવામાં આવશે.સરકારે આ નિર્ણયને માત્ર જાહેરાત સુધી મર્યાદિત રાખ્યો નહીં, પરંતુ તેનો તાત્કાલિક અમલ પણ શરૂ કરી દીધો છે. આ પગલાથી સરકારની પ્રતિબદ્ધતા સ્પષ્ટ રીતે સામે આવી છે.આ નિર્ણયના અમલ માટે નેપાળ વિદ્યુત પ્રાધિકરણએ સત્તાવાર નોટિસ જાહેર કરી છે. તેમાં 27 વિદ્યાર્થીઓના નજીકના સગાંઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી મુજબ તેમને તેમની લાયકાત અને ક્ષમતાના આધારે તેમના જ જિલ્લાઓમાં નોકરી આપવાનો પ્રસ્તાવ છે.પરિજનોએ 35 દિવસની અંદર પોતાના સંબંધનો પુરાવો રજૂ કરવો પડશે.ત્યારબાદ તેમને યોગ્ય પદ પર નિમણૂક આપવામાં આવશે.
આ નિર્ણયને રાજકીય રીતે પણ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. બલેન શાહે ચૂંટણી દરમિયાન વચન આપ્યું હતું કે આંદોલનમાં જીવ ગુમાવનાર વિદ્યાર્થીઓના પરિવારોને સહાયરૂપ થવા માટે સરકાર પગલાં લેશે. હવે સત્તામાં આવ્યા બાદ તેમણે પોતાનું વચન પૂરું કરીને એક મજબૂત સંદેશ આપ્યો છે.આ પગલું સરકારની વિશ્વસનીયતા વધારવામાં મદદરૂપ બની શકે છે અને લોકોમાં વિશ્વાસ જાગૃત કરી શકે છે કે સરકાર માત્ર વચનો આપતી નથી, પરંતુ તેને અમલમાં પણ મૂકે છે.
જ્યાં એક તરફ આ નિર્ણયની પ્રશંસા થઈ રહી છે, ત્યાં બીજી તરફ વિરોધ પક્ષ અને કેટલાક સામાજિક સંગઠનો દ્વારા પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા છે. તેઓનું માનવું છે કે માત્ર નોકરી આપવી પૂરતી નથી, પરંતુ આ ઘટનાના જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવી પણ એટલી જ જરૂરી છે.તેમના અનુસાર, ન્યાય માટે જવાબદારી નક્કી કરવી અને દોષિતોને સજા આપવી એ સરકારની મુખ્ય જવાબદારી છે.


