પશ્ચિમ એશિયામાં વધતા ભૌગોલિક-રાજકીય તણાવની સીધી અસર હવે દક્ષિણ એશિયાના દેશો પર જોવા મળી રહી છે. પાકિસ્તાન બાદ હવે શ્રીલંકા પણ ભીષણ ઇંધણ સંકટની ઝપેટમાં આવી ગયું છે.
પશ્ચિમ એશિયામાં વધતા ભૌગોલિક-રાજકીય તણાવની સીધી અસર હવે દક્ષિણ એશિયાના દેશો પર જોવા મળી રહી છે. પાકિસ્તાન બાદ હવે શ્રીલંકા પણ ભીષણ ઇંધણ સંકટની ઝપેટમાં આવી ગયું છે. દેશના મર્યાદિત વિદેશી મુદ્રા ભંડાર અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના વધતા ભાવોને પહોંચી વળવા માટે શ્રીલંકા સરકારે એક કઠોર પરંતુ અનિવાર્ય નિર્ણય લીધો છે.

16 માર્ચના રોજ સરકારે સત્તાવાર જાહેરાત કરી કે હવેથી સરકારી કચેરીઓ, શાળાઓ અને યુનિવર્સિટીઓ અઠવાડિયામાં માત્ર ચાર દિવસ જ કાર્યરત રહેશે. ઇંધણના વપરાશમાં કાપ મૂકવા માટે દર બુધવારે જાહેર રજા જાહેર કરવામાં આવી છે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પરિવહનમાં થતા પેટ્રોલ-ડીઝલના ખર્ચને ઘટાડવાનો છે. સરકારે ખાનગી ક્ષેત્રને પણ અપીલ કરી છે કે તેઓ કર્મચારીઓને ઘરેથી કામ (Work from Home) કરવાની છૂટ આપે અથવા કામના કલાકોમાં ફેરફાર કરે.
ઇંધણના વિતરણને વ્યવસ્થિત બનાવવા માટે સરકારે QR કોડ આધારિત ડિજિટલ રેશનિંગ સિસ્ટમ અમલમાં મૂકી છે. આ સિસ્ટમ દ્વારા દરેક વાહન દીઠ સાપ્તાહિક ક્વોટા નક્કી કરવામાં આવશે, જેથી કાળાબજાર રોકી શકાય અને જરૂરિયાતમંદ લોકોને ઇંધણ મળી રહે. જોકે, હોસ્પિટલો, બંદરો, પાણી પુરવઠો અને કસ્ટમ જેવી અતિ આવશ્યક સેવાઓને આ નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી છે જેથી સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ ન થાય.


