બાંગ્લાદેશમાં સતત ભારત વિરુદ્ધ ઝેર ઓકનારા ઉસ્માન હાદીનું સિંગાપોરમાં મોત થયાના અહેવાલો પછી બાંગ્લાદેશમાં વધુ એક વખત હિંસા ફાટી નીકળી હતી. હાદીની મોતથી ઉશ્કેરાયેલા કટ્ટરવાદી તત્વોએ મીડિયા સંસ્થાનો, સાંસ્કૃતિક કેન્દ્રો, દેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાનના આવાસને આગને હવાલે કરી દીધા હતા. તેમણે ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરતા ભારતીય દૂતાવાસ પર પણ હુમલો કર્યો હતો. બીજીબાજુ કટ્ટરવાદી ટોળાએ ધાર્મિક લાગણી દુભાવવાના નામે એક હિન્દુ યુવકની હત્યા કરી તેને જાહેરમાં સળગાવી દીધો હતો. પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાની વિદાય બાદથી બાંગ્લાદેશમાં ભારે અરાજક્તા ફેલાયેલી છે. બાંગ્લાદેશમાં ગયા વર્ષે ઓગસ્ટમાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાનું શાસન ઉથલાવ્યા પછી દેશમાં કટ્ટરવાદી તત્વોનું પ્રભુત્વ વધતા હિન્દુઓ સહિત લઘુમતીઓ પરના અત્યાચારો વધ્યા છે. આ સાથે બાંગ્લાદેશમાં ભારત વિરોધી વાતાવરણ પણ સતત વધી રહ્યું છે.

આવા સમયમાં શેખ હસીના વિરુદ્ધ આંદોલન ચલાવનારા કટ્ટરવાદી યુવા નેતા અને ઈન્કલાબ મંચના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદીને ગયા સપ્તાહે ૧૨ ડિસેમ્બરે ઢાકામાં બાઈક સવાર હુમલાખોરોએ ગોળી મારી હતી. હાદીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે સિંગાપોર લઈ જવાયો હતો. જોકે, ગુરુવારે મોડી રાતે સિંગાપોરમાં હાદીનું મોત થયું હતું. હાદીનો મૃતદેહ શુક્રવારે સિંગાપોરથી બાંગ્લાદેશ લવાયો હતો.
કટ્ટરવાદી તત્વોએ આખી રાત અખબારોની ઓફિસમાં તોડફોડ કરી
જોકે, હાદીના મોતના અહેવાલો પછી બાંગ્લાદેશમાં ભારે અરાજક્તા ફેલાઈ હતી. કટ્ટરવાદી તત્વો હિંસા પર ઉતરી આવ્યા હતા. તેમણે બાંગ્લાદેશના બે મુખ્ય અખબારો ‘ધ ડેઈલી સ્ટાર’ અને ‘પ્રથમ આલો’ની ઓફિસોને આગને હવાલે કરી દીધી હતી. તોફાની તત્વોએ રાતે ૧૨.૩૦ કલાકે પહેલા ઢાકામાં કાવરાન બજારમાં ધ ડેઈલી સ્ટાર અખબારની ઓફિસ પર હુમલો કર્યો હતો અને તેમાં તોડફોડ કરતા આગ લગાવી દીધી હતી.
જોકે, આખરે ચાર કલાક પછી પત્રકારોને વહેલી સવારે ઓફિસની બહાર કાઢવામાં આવ્યા હતા.
કટ્ટરવાદી તત્વોનો 30થી વધુ પત્રકારોને જીવતા સળગાવવા પ્રયાસ
આ સાથે કટ્ટરવાદી તત્વોએ બંગાળી દૈનિક અખબાર ‘પ્રોથોમ આલો’ પર હુમલો કર્યો અને તેને પણ આગ લગાવી દીધી હતી. આ સમયે લગભગ ૩૦થી વધુ પત્રકારો અને અખબારના અન્ય કર્મચારીઓ લગભગ ત્રણ કલાક સુધી ઓફિસમાં ફસાયેલા રહ્યા હતા. તોફાની તત્વોએ તેમને જીવતા સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, પોલીસ, સૈન્યના જવાનો અને ફાયર બ્રિગેડે આવીને માંડ-માંડ તેમને બચાવ્યા હતા.
બાંગ્લાદેશના સ્થાપક મુજીબુર રહેમાનનું પૈતૃક ઘર ફરી સળગાવાયું
બાંગ્લાદેશમાં ગુરુવારે આખી રાત તોફાની તત્વોએ ભારે હિંસા અને આગજની ચાલુ રાખી હતી. કટ્ટરવાદી તત્વોએ અનેક શહેરોમાં તોડફોડ કરવાની સાથે બાંગ્લાદેશના સ્થાપક ‘બંગબંધુ’ શેખ મુજીબુર રહેમાનના પૈતૃક ઘરને ફરી એક વખત આગને હવાલે કર્યું હતું. સાથે તેમણે ધાનમંડી સ્થિત છાયાનૌત સાંસ્કૃતિક ભવનમાં પણ તોડફોડ કરી હતી. શેખ હસીનાના અવામી લીગ પક્ષના અનેક નેતાઓના ઘરો અને ઓફિસો પર પણ હુમલા કરાયા હતા અને તેને આગ લગાવાઈ હતી. કટ્ટરવાદી તત્વોએ ભારતીય દૂતાવાસ પર પણ હુમલો કર્યો હતો. જોકે, તેઓ દૂતાવાસની અંદર ઘૂસી શક્યા નહોતા, જેથી મોટી દુર્ઘટના ટળી હતી.
દીપુચંદ્રને સળગાવી બે કલાક સુધી ટોળાએ જાહેરમાં ઊજવણી કરી
બાંગ્લાદેશમાં આ અરાજક્તા વચ્ચે મૈમનસિંહ જિલ્લાના ભાલુકામાં ગુરુવારે મોડી રાતે ધાર્મિક લાગણી દુભાવવાના આક્ષેપ હેઠળ હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની માર મારીને હત્યા કરી હતી. ભાલુકામાં પાયનિયર નિટવેર્સ ફેક્ટરી સામે મીલ મજૂર દીપુ પર પયગંબર મોહમ્મદ વિરુદ્ધ અપમાનજનક ટીપ્પણી કરવાનો આરોપ મૂક્યો હતો. ત્યાર પછી ૧૫૦૦થી ૨,૦૦૦ લોકોના ઉશ્કેરાયેલા ટોળાએ તેની સાથે મારપીટ કરી હતી અને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યાર પછી ટોળાએ તેના મૃતદેહને ચાર રસ્તા પર એક ઝાડ સાથે ગળા ફાંસો લગાવી લગભગ બે કલાક સુધી તેના મોતની ઊજવણી કરી હતી અને તેનો મૃતદેહ સળગાવી દીધો હતો. તેમણે આ ઘટના મોબાઈલમાં રેકોર્ડ પણ કરી હતી. અંતે પોલીસ અને સેનાના જવાનોએ આવીને ટોળાને વિખેરી મૃતદેહ કબજે લીધો હતો.


