ઈરાનના હોર્મુઝ દ્વીપ પર ભારે વરસાદના કારણે એક વિચિત્ર અને ડરામણું દ્રશ્ય ઊભું થયું છે. દ્વીપના પ્રખ્યાત રેડ બીચ (લાલ બીચ) પર વરસાદનું પાણી પણ લાલ રંગનું થઈ ગયું છે. દરિયાના મોજા લોહી જેવા ક્રિમસન (ઘાટો લાલ) થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, ચટ્ટાનમાંથી લાલ પાણી વહીને દરિયામાં ભળી રહ્યું છે, જેના કારણે સંપૂર્ણરીતે બીચ અને આસપાસનું પાણી લાલ થઈ ગયું છે.
આ નજારો જોઈને અમુક લોકો ડરી ગયા છે. અનેક લોકો તેને બાઇબલની ભવિષ્યવાણી અથવા કોઈ અપશુકન સમજવા લાગ્યા. પરંતુ, નિષ્ણાતોનું કહેવું છે કે, આ સંપૂર્ણ રીતે પ્રાકૃતિક છે અને તેનાથી કોઈ જોખમ નથી. હોર્મુઝ દ્વીપને રેનબો આઇલેન્ડ (ઇન્દ્રધનુષ દ્વીપ) પણ કહેવામાં આવે છે. કારણ કે, અહીંની માટીમાં 70થી વધુ રંગીન મિનરલ્સ છે. ખાસ કરીને લાલ માટીમાં આયર્ન ઑક્સાઇડ અને હેમાટાઇટની માત્રા ખૂબ વધારે છે, જે તેને આખું વર્ષ લાલ રંગ આપે છે. ભારે વરસાદ બાદ લાલ માટી ચટ્ટાનોથી કપાઇને પાણીમાં ભળી જાય છે. પાણી લાલ થઈને સમુદ્રમાં વહે છે અને દરિયાના મોજા પણ અમુક સમય માટે લાલ રંગના બની જાય છે. ભરતીના પ્રવાહ સાથે, આ લાલ રંગ ધીમે ધીમે ઝાંખો પડી જાય છે અને બધું સામાન્ય થઈ જાય છે.
સ્થાનિક લોકો આ પ્રાકૃતિક સુંદરતાને ઉજવી રહ્યા છે. તેઓ કહે છે કે, આ નજારો જોવા લાયક છે, જે દ્વીપની સુંદરતાને વધારે છે. પ્રવાસીઓ પણ ઉત્સાહિત છે- અનેક લોકો લાલ પાણીમાં ચાલવા અને ફોટો ક્લિક કરાવવા માટે આવી રહ્યા છે. એક પ્રવાસીએ તો આ વિશે એવું પણ કહ્યું કે, આ ભગવાનનું સૌથી સુંદર ચિત્ર છે.
જોકે, અમુક લોકો તેને ‘બ્લડ રેઇન’ (ખૂની વરસાદ) કહીને ડરામણો જણાવે છે. પરંતુ, વૈજ્ઞાનિકો સ્પષ્ટ કરી ચુક્યા છે કે, આ કોઈ જોખમ નથી. આ ઘટના દર વર્ષે વરસાદની સિઝનમાં હોય છે. જે અનેકવાર વાઇરલ થઈ ચુકી છે.
હોર્મુઝ દ્વીપ ફારસની ખાડીમાં સ્થિત છે અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પાસે છે. તેને રેનબો આઇલેન્ડ કહે છે કારણ કે, અહીંની પહાડીઓ અને બીચ વાદળી, પીળા, લીલા, સફેદ અને ખાસ કરીને લાલ રંગની છે. લાલ માટીને સ્થાનિક લોકો ગેલૈક કહે છે. આ માટીની ખાસિયત છે કે, તેનો ઉપયોગ મસાલાના રૂપે કરવામાં આવે છે. જેમ બ્રેડ, સૉસ, અથાણાં અવે જામમાં નાંખી શકાય છે. એક ખાસ બ્રેડ ‘તોમશી’ આ માટીમાંથી બને છે. ઔદ્યોગિક રૂપે પેઇન્ટ, કૉસ્મેટિક્સ અને કાચ બનાવવામાં ઉપયોગી હોય છે. દ્વીપ પર મીઠાંની ગુફા, રંગબેરંગી ખીણ અને સમુદ્રી જીવ પણ જોવા લાયક છે. પ્રવાસીઓ અહીં ફરવા આવે છે અને રંગ બદલતી માટીની મજા લે છે. આ ઘટના પ્રકૃતિની અનોખી કરામત છે, જે હોર્મુઝને દુનિયાના સૌથી સુંદર અને રહસ્યમયી દ્વીપોમાંથી એક બનાવે છે.


