E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : ગીરમાં મંજૂરી વગર ધમધમતા 10થી વધુ રિસોર્ટ અને ફાર્મહાઉસ સીલ,...

Gujarat : ગીરમાં મંજૂરી વગર ધમધમતા 10થી વધુ રિસોર્ટ અને ફાર્મહાઉસ સીલ, હાઈકોર્ટના આદેશ બાદ કાર્યવાહી

સમગ્ર એશિયામાં એકમાત્ર સૌરાષ્ટ્રમાં એશિયાટીક સિંહોનો વસવાટ છે. જેને જોવા માટે મોટી સંખ્યામાં ગીર તરફ લોકોનો ઘસારો જોવા મળે છે. આ જ કારણે ત્યાં આડેધડ રિસોર્ટ,હોટલ ખડકાઈ ગયા છે. જેની નોંઘ ગત નવેમ્બર મહિનામાં ગુજરાત હાઈકોર્ટે પણ લીધી હતી અને ગેરકાયદે ફાર્મ હાઉસ અને રિસોર્ટ સામે કડક પગલાં લેવા આદેશ કર્યો હતો. જેના ભાગરૂપે મામલતદરે આજે ભોજદે ગીરમાં 10થી વધુ ફાર્મ હાઉસને સીલ કરી દીધા છે.

ત્યારે આજે ગીર સોમનાથમાં ગીરના જંગલમાં આવેલા ફાર્મ હાઉસ અને રિસોર્ટ પર તંત્રએ તવાઈ બોલાવી છે. વન વિભાગની NOC વગર ભોજદે ગીરમાં ચાલતા 10થી વધુ ફાર્મ હાઉસને સીલ કરી દેવામાં આવ્યા છે. હાઈકોર્ટના આદેશને પગલે કલેક્ટરે સરવે હાથ ધર્યો હતો, જેમાં ફાર્મ હાઉસ અને રિસોર્ટ NOC વગર ધમધમતા હોવાનું ખૂલ્યું હતું. તાલાલા મામલતદારે વન વિભાગને સાથે રાખી કરેલી કાર્યવાહીમાં 10થી વધુ ફાર્મ હાઉસને ‘ખંભાતી તાળાં’ મારી દીધા છે.

મહત્વનું છે કે એશિયામાં માત્ર સૌરાષ્ટ્રમાં એશિયાટીક સિંહો વસેલા છે પરંતુ, સિંહદર્શનના નામે ગીર જંગલમાં અભ્યારણ્ય પાસે આડેધડ રિસોર્ટ, હોટલ, ફાર્મ હાઉસ બની ગયા છે બીજી તરફ સિંહોને તેમનું ગમતું, પ્રાકૃતિક રહેઠાણ વધવાને બદલે ઘટી રહ્યું હોય અને તેની વસ્તી વધતા તે જંગલ બહાર જવા મજબૂર બની રહ્યાની પ્રકૃતિપ્રેમીઓની ફરિયાદો અને રજૂઆતો થઈ રહી છે.

આ સ્થિતિમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ બાદ ધારી, સાવરકુંડલા, ખાંભા, જાફરાબાદ, રાજુલા અને બગસરા તાલુકાના 124 ગામોમાં રીસોર્ટ્સ, હોટલ, ફાર્મ હાઉસ સહિતના અનધિકૃત બાંધકામોનો સર્વેનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગીરના સિંહોની સંખ્યા 891 આસપાસ પહોંચી છે પરંતુ, તેમના પ્રાકૃતિક નિવાસ આડેધડ બાંધકામોથી ઘટી રહ્યા છે અને તેમાં વળી, સરકારે આ બાંધકામો નિયમબધ્ધ થઈ શકે તેવા એક પરિપત્રથી પ્રકૃતિપ્રેમીઓમાં નારાજગી પ્રસરી છે.

ગીર અભ્યારણ્ય, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, પાણીયા અભ્યારણ્ય અને મિતિયાળા અભ્યારણ્યે ફરતે 10 કિ.મી.ના અંતર સુધીમાં આવેલા વિસ્તારો કે જેને રાજ્યના વન-પર્યાવરણ વિભાગનો તા.1-7-2025નો પરિપત્રથી મુકાયેલા નિયંત્રણો લાગુ પડે છે ત્યાં વન અને મહેસુલ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો. આ ટીમોમાં (1) જે તે તાલુકાના મામલતદાર (2) સંબંધિત રેન્જ ફોરેસ્ટ ઓફિસર (3) સર્કલ ઓફિસર અને (4) સંબંધિત મહેસુલી તલાટી મંત્રીનો સમાવેશ કરાયો હતો અને તેના સુપરવિઝનની જવાબદારી જે તે પ્રાંત ઓફિસરને સોંપાઈ હતી. તાલુકાવાઈઝ કૂલ 124 ગામોની સૂચિ પણ જારી કરવામાં આવી હતી અને ચકાસણી ટીમને દરેક ગામમાં આવા મંજુરી વગરના તેમજ મંજુરીવાળા સહિત તમામ બાંધકામોમાં વન વિભાગની દરેક જોગવાઈ તથા બીનખેતી હૂકમોની જોગવાઈનો કેટલો ભંગ થાય છે અને તે અંગે શુ પગલા લેવાના રહેશે તેનો લેખિત રિપોર્ટ તેમજ લેવાયેલા પગલા અંગેનો રિપોર્ટ તા. 10-12-2025 સુધીમાં આપવાનો હતો. બાંધકામોના સર્વે બાદ પ્રકૃતિ-પ્રાણીઓના હિતમાં તે દૂર કરવાના પગલા લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના પર પ્રકૃતિપ્રેમીઓ પણ નજર રાખી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments