ગુજરાત જેલ વિભાગના વડા ડો. કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ, ભરૂચ જિલ્લા જેલ ખાતે ગતરોજ ‘વર્લ્ડ મેડિટેશન ડે’ નિમિત્તે એક પ્રેરણાદાયી ધ્યાન સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યક્તિ વિકાસ કેન્દ્ર અને ધ આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં જેલના અધિકારીઓથી લઈને બંદીવાન ભાઈઓ સુધીના તમામ લોકોએ માનસિક શાંતિની અનુભૂતિ કરી હતી.

”હર ઘર ધ્યાન” અભિયાન અંતર્ગત યોજાયેલા આ સેશનમાં સંસ્થાના પ્રતિનિધિઓ ધનજી વસાવા અને ફાલ્ગુનીબેને મેડિટેશનના મહત્વ વિશે વિસ્તૃત સમજ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે નિયમિત ધ્યાનથી તણાવ દૂર થાય છે અને માનસિક સ્થિરતા પ્રાપ્ત થાય છે. એકાગ્રતા વધવાથી વ્યક્તિમાં આત્મવિકાસ અને સકારાત્મક વિચારોનો સંચય થાય છે. જેલના વાતાવરણમાં માનસિક શાંતિ બંદીવાનોના હૃદય પરિવર્તન માટે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.
કાર્યક્રમના અંતે ભરૂચ જેલ અધિક્ષક એન.પી. રાઠોડે સંસ્થાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જેલ એ માત્ર સજાનું સ્થળ નથી પરંતુ સુધારગૃહ છે. આવી પ્રવૃત્તિઓ બંદીવાનોને ગુનાહિત માનસિકતામાંથી બહાર લાવી સમાજની મુખ્યધારામાં જોડાવા માટે તૈયાર કરે છે. આ સેશનમાં જેલ સ્ટાફ અને બંદીવાનોએ અત્યંત ઉત્સાહપૂર્વક ભાગ લઈ ધ્યાનની ગહન પ્રક્રિયાનો અનુભવ કર્યો હતો.


