ગુજરાતની ગ્રામીણ નારી શક્તિ આજે આર્થિક રીતે સદ્ધર બની રહી છે, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ મહીસાગર જિલ્લાના વેલણવાડા ગામમાં જોવા મળે છે. ગામના શિલ્પાબેન પ્રવીણભાઈ પટેલ અને તારાબેન નગીનભાઈ પટેલ નામની દેરાણી-જેઠાણીની જોડીએ પશુપાલન ક્ષેત્રે એવી સફળતા હાંસલ કરી છે કે તેમની આવક આજે કોઈ મોટી કંપનીના CEO કે કલેક્ટર કરતા પણ વધારે છે. આ મહિલાઓ માત્ર પશુપાલન દ્વારા વાર્ષિક ૨૫ લાખ રૂપિયાની મબલખ આવક મેળવીને શ્વેત ક્રાંતિના મશાલચી બન્યા છે.
સંઘર્ષના દિવસોને યાદ કરતા આ મહિલાઓ જણાવે છે કે, ૩૦ વર્ષ પૂર્વે તેમણે આ વ્યવસાયની શરૂઆત માત્ર એક ગાયથી કરી હતી. શરૂઆતમાં જ્યારે તેમની પાસે માત્ર બે ગાયો હતી, ત્યારે ઘરનું ગુજરાન ચલાવવું અને બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવવો અત્યંત પડકારજનક હતો. પરંતુ હિંમત હાર્યા વગર, તેમણે પશુપાલન વિભાગની વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો અને પોતાની મહેનતના જોરે આજે ૨૭ ગાયો અને ૧૫ વાછરડીઓ સાથે એક વિશાળ અને આધુનિક તબેલાનું નિર્માણ કર્યું છે.

તેમની આર્થિક સિદ્ધિઓ પણ એટલી જ પ્રભાવશાળી છે, તેઓ પંચામૃત ડેરીમાં દરરોજ ૨૮૦ લિટરથી વધુ દૂધ ભરાવે છે. દૂધના વેચાણ દ્વારા તેમને દર ૧૦ દિવસે અંદાજે ૮૦,૦૦૦ રૂપિયાનો પગાર મળે છે. આ વ્યવસાયિક સફળતાના પરિણામે તેમણે નવું પાકું મકાન બનાવ્યું છે અને બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવી સામાજિક જવાબદારીઓ પણ ખૂબ જ સારી રીતે પૂર્ણ કરી છે. તેમની દૂધની ગુણવત્તાને કારણે તેમણે તાલુકા અને જિલ્લા કક્ષાએ હરીફાઈમાં ઈનામો પણ જીત્યા છે.
આ સફળતા પાછળ તેમની કઠોર મહેનત અને વૈજ્ઞાનિક માવજત રહેલી છે. પશુઓની સારસંભાળ માટે તેઓ દરરોજ સવારે ૪ વાગ્યે ઉઠી જાય છે અને પશુઓને સમયસર પોષણયુક્ત ખાણ-દાણ તથા મિનરલ પાવડર આપે છે. આ વ્યવસાયમાં પરિવારની એકતા પણ મહત્વનો ભાગ ભજવે છે, જેમાં દેરાણી-જેઠાણી અને તેમના પતિઓ એમ ચારેય સભ્યો હળીમળીને તબેલાનું સંચાલન કરે છે. દિવસના ૪ થી ૬ કલાકના શિસ્તબદ્ધ કાર્ય અને બપોરના વિરામ સાથે તેઓ આ વ્યવસાયને સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે.

વેલણવાડા ગામની આ બે મહિલાઓના ઉમદા કાર્યથી પ્રેરાઈને આજે ગામની અન્ય સ્ત્રીઓ પણ પશુપાલન તરફ વળી છે. આજે સ્થિતિ એવી છે કે આખું ગામ દૈનિક ૧૩૦૦ લિટર જેટલું દૂધ ડેરીમાં ભરાવે છે. શિલ્પાબેન અને તારાબેને સાબિત કરી દીધું છે કે પરંપરાગત ખેતીની સાથે પશુપાલન જો આધુનિક અભિગમ સાથે કરવામાં આવે, તો તે સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બની શકે છે.
Reporter : વીરભદ્ર સિંહ સિસોદીયા. મહીસાગર


