ગુજરાતના રાજકારણના એક યુગનો અંત આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના લોકલાડીલા અને લોકહૃદય સમ્રાટ પૂર્વ ધારાસભ્ય તેમજ પૂર્વ વન મંત્રી મોહનસિંહ છોટુભાઈ રાઠવાનું 82 વર્ષની વયે આજરોજ નિધન થયું છે. છેલ્લા ૫૫ વર્ષથી રાજકારણમાં અવિરત સક્રિય રહીને પ્રજાની સેવા કરનાર આ દિગ્ગજ નેતાના અવસાનના સમાચાર વહેતા થતાં જ સમગ્ર છોટાઉદેપુર જિલ્લો અને ગુજરાતનું રાજકીય આલમ ભારે શોકમાં ડૂબી ગયું છે. લાખો લોકોના હૃદયમાં આદરણીય સ્થાન ધરાવતા મોહનસિંહ રાઠવાની વિદાયથી આદિવાસી સમાજ અને જિલ્લાએ એક સાચો અને પથદર્શક નેતા ગુમાવ્યો છે.
55 વર્ષની અવિરત રાજકીય સફર અને શ્રેષ્ઠ ધારાસભ્યનું સન્માન
મોહનસિંહ છોટુભાઈ રાઠવા માત્ર એક નેતા નહોતા, પણ છોટાઉદેપુરની જનતા માટે એક પિતાતુલ્ય વડીલ અને આસ્થાનું કેન્દ્ર હતા. તેમણે પોતાના જીવનના ૫૫ વર્ષથી વધુ સમય સુધી ધારાસભ્ય તરીકે લોકસેવા કરી હતી. એક સક્રિય અને પ્રતિભાશાળી નેતા તરીકે તેમણે ગુજરાત વિધાનસભામાં હંમેશા પ્રજાના અને ખાસ કરીને આદિવાસી વિસ્તારના પ્રશ્નોને મજબૂતાઈથી વાચા આપી હતી. તેમની આ જ ઉત્કૃષ્ટ સંસદીય કામગીરીને કારણે તેમને ‘શ્રેષ્ઠ ધારાસભ્ય’ તરીકેની ખ્યાતિ પણ મળી હતી. રાજ્યના વન મંત્રી તરીકે પણ તેમણે પ્રશંસનીય સેવાઓ આપીને પોતાની વહીવટી કુશળતાનો પરિચય કરાવ્યો હતો.

હંમેશા પ્રજાની વચ્ચે રહી મેળવી અખંડ લોકચાહના
મોહનસિંહ રાઠવાની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેઓ ગમે તેટલા ઊંચા હોદ્દા પર રહ્યા, પણ ક્યારેય સામાન્ય જનતાથી દૂર ન થયા. તેઓ હંમેશા સામાન્ય પ્રજાની વચ્ચે રહેતા, લોકોના સુખ-દુઃખમાં ભાગીદાર બનતા અને લોકોના નાનામાં નાના કામો માટે પણ તત્પર રહેતા હતા. સત્તાના અહંકારથી પર રહીને તેમણે મેળવેલી અખંડ લોકચાહના આજે પણ અકબંધ છે. તેમનું સરળ વ્યક્તિત્વ અને સેવાનો ભાવ જ તેમની અસલી મૂડી હતી, જેના કારણે તેઓ લાખો લોકોના દિલ પર રાજ કરતા હતા.
જિલ્લામાં ઘેરા શોકની લાગણી, ભીની આંખે અપાઈ શ્રદ્ધાંજલિ
મોહનસિંહ રાઠવાના નિધનના સમાચાર મળતા જ છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોથી લઈને શહેરો સુધી ભારે સન્નાટો વ્યાપી ગયો છે અને લોકોમાં ગેહરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અગ્રણી રાજકીય નેતાઓ, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, સામાજિક પદાધિકારીઓ અને રડતી આંખે સામાન્ય નાગરિકો સહિત તમામે મોહનસિંહ રાઠવાના નિવાસસ્થાને પહોંચી અને સોશિયલ મીડિયાના માધ્યમથી ભારે હૈયે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
કુદરત તેમના પવિત્ર આત્માને શાંતિ આપે અને તેમના પરિવાર તેમજ અસંખ્ય ચાહકોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી ઈશ્વર ચરણોમાં પ્રાર્થના.


