અંકલેશ્વરના ધંતુરીયા-કોયલી માર્ગ પર ગતરોજ શેરડી ભરેલું ટ્રેક્ટર પલટી જવાની ઘટના બની હતી. નાળાની કામગીરી માટે કાઢવામાં આવેલા ખામીયુક્ત ડાયવર્ઝનને કારણે આ અકસ્માત સર્જાયો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.

માર્ગ પર નાળાનું કામ ચાલી રહ્યું હોવાથી વાહનોની અવરજવર માટે કામચલાઉ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આજે આ માર્ગ પરથી શેરડીનો જથ્થો ભરીને પસાર થઈ રહેલા એક ટ્રેક્ટરે ડાયવર્ઝન પર ચઢતી વખતે અચાનક સંતુલન ગુમાવી દીધું હતું અને ટ્રેક્ટર માર્ગની સાઈડમાં પલટી ખાઈ ગયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે શેરડીનો તમામ જથ્થો રસ્તા પર વેરવિખેર થઈ ગયો હતો, જોકે સદનસીબે ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો હતો.
ઘટનાને પગલે એકઠા થયેલા સ્થાનિક લોકો અને ખેડૂતોએ કોન્ટ્રાક્ટર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનો આક્ષેપ છે કે ડાયવર્ઝનનું લેવલિંગ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી, જેને કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે. મોંઘા બિયારણ અને મહેનતથી પકવેલો પાક આવા અકસ્માતોને કારણે નષ્ટ થઈ રહ્યો છે. ગ્રામજનોએ માંગ કરી છે કે તુરંત આ ડાયવર્ઝનનું સમારકામ કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ ન થાય.


