સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ૨૧મી ડિસેમ્બરને “વિશ્વ ધ્યાન દિવસ” તરીકે જાહેર કર્યા બાદ વિશ્વભરમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેના ભાગરૂપે પોરબંદરના ડૉ. વી. આર. ગોઢાણીયા મહિલા હોસ્ટેલ ખાતે ગોઢાણીયા યોગા કોલેજ દ્વારા વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી યોજાઈ હતી. આ સાથે ગોઢાણીયા શૈક્ષણિક સંકુલની શાળા તથા કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે ધ્યાન, આસન અને પ્રાણાયામ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પોરબંદરની માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ગોઢાણીયા યોગા કોલેજ દ્વારા આયોજિત આ કાર્યક્રમ ગોઢાણીયા મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કેતનભાઈ શાહના નેતૃત્વમાં તથા યોગા કોલેજના કોઓર્ડિનેટર શ્રી જીવાભાઈ ખૂંટીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

આ પ્રસંગે જીવાભાઈ ખૂંટીએ જણાવ્યું હતું કે ગિર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સંલગ્ન ગોઢાણીયા યોગા કોલેજ વર્ષ ૨૦૨૦-૨૧થી કાર્યરત છે. અહીં ૧૨ પાસ કોઈપણ વયના વ્યક્તિ માટે એક વર્ષીય ડિપ્લોમા અભ્યાસક્રમ ઉપલબ્ધ છે, જેમાં નોકરી કરતા લોકો પણ જોડાઈ શકે છે. અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બની રોજગાર મેળવી રહ્યા છે.
કાર્યક્રમને સંબોધતાં ટ્રસ્ટના પ્રમુખ અને શિક્ષણપ્રેમી ડૉ. વિરમભાઈ રાજાભાઈ ગોઢાણીયાએ જણાવ્યું હતું કે આજના તણાવપૂર્ણ જીવનમાં ધ્યાન ખૂબ જ જરૂરી છે. ધ્યાનથી બુદ્ધિ સતેજ બને છે, સ્મૃતિ મજબૂત થાય છે અને અભ્યાસમાં એકાગ્રતા વધે છે. તેમણે કહ્યું કે જીવનમાં આવતી ઘણી સમસ્યાઓનો સરળ અને અસરકારક ઉપાય ધ્યાન છે.
આ અવસરે ડૉ. વી. આર. ગોઢાણીયા બી.એડ કોલેજના ડાયરેક્ટર ડૉ. ઈશ્વરલાલ ભરડાએ જણાવ્યું હતું કે ધ્યાન વ્યક્તિના મનને હકારાત્મક બનાવે છે અને બાળકોના સર્વાંગી વિકાસ માટે ધ્યાન, પ્રાણાયામ, આસન અને યોગ શિક્ષણ મહત્વપૂર્ણ છે.
વિશ્વ ધ્યાન દિવસ અંતર્ગત ગોઢાણીયા શૈક્ષણિક સંકુલની વિવિધ શાળાઓ અને કોલેજોમાં ધ્યાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
મહિલા હોસ્ટેલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગોઢાણીયા મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કેતનભાઈ શાહ, ડૉ. ઈશ્વરલાલ ભરડા, વિવિધ કોલેજોના ડાયરેક્ટરો, પ્રોફેસરો તથા સંકુલ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ


