આ જગતમાં માણસ જે કંઈ પણ મેળવે છે, તેમાં સૌથી વધુ મોહ તેને પોતાની કાયા એટલે કે શરીર અને સુંદરતાનો હોય છે. આપણે કલાકો અરીસા સામે વિતાવીએ છીએ જેથી આપણે સુંદર દેખાઈ શકીએ. પરંતુ આધ્યાત્મિક અને સામાજિક સત્ય એ છે કે આ ‘કાયા’ તો માત્ર માયા છે.જે સમય જતાં કરમાઈ જવાની છે. અંતે જે સાથે રહે છે અને જે આપણી પાછળ રહી જાય છે, તે છે આપણો ‘કિરદાર’.દેખાવની ક્ષણિક દુનિયા આજે આપણે એક એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં લોકો વ્યક્તિના ગુણો માપતા પહેલાં તેના કપડાં, તેની ગાડી અને તેનો રંગ જુએ છે. પણ યાદ રાખજો, સુંદર ચહેરો માત્ર ભીડમાં તમને અલગ પાડી શકે છે, પણ સુંદર કિરદાર તમને લોકોના હૃદયમાં સ્થાન અપાવે છે. શરીર તો પંચતત્વમાં વિલીન થઈ જવાનું છે, પણ જે અમર રહે છે તે આપણા સંસ્કાર અને વ્યવહાર છે.
કિરદાર જીવનનું સાચું ભાથું
જેમ મુસાફરીમાં નીકળતી વખતે આપણે સાથે ‘ભાથું’ (ખોરાક) લઈએ છીએ જે આપણને રસ્તામાં કામ લાગે છે, તેમ જીવનની સફરમાં આપણો કિરદાર જ આપણું સાચું ભાથું છે. જો તમારો કિરદાર મજબૂત હશે, તો લોકો તમારા પર આંખ મીંચીને વિશ્વાસ કરશે. સત્તા કે સંપત્તિથી મળેલો આદર ડરને કારણે હોય છે, પણ કિરદારથી મળેલો આદર પ્રેમ અને શ્રદ્ધાથી હોય છે. આપણે આપણા સંતાનો માટે સંપત્તિ મૂકી જઈએ કે નહીં, પણ જો એક ઉજ્જવળ કિરદાર મૂકી જઈશું તો તે પેઢીઓ સુધી ગૌરવ અપાવશે .રૂપ-રંગ તો કુદરતની કરામત છે, પણ કિરદાર એ આપણી પોતાની મહેનત અને પસંદગી છે. એટલે જ દેખાવને ચમકાવવા કરતાં દિલને ચમકાવવું વધુ જરૂરી છે. જે દિવસે આપણે આ ‘કાયા’ ના મોહમાંથી મુક્ત થઈને આપણા ‘કિરદાર’ પર ધ્યાન આપીશું, તે દિવસે આપણું જીવન સાચા અર્થમાં સાર્થક ગણાશે.
રૂપ રંગ તો સમયની સાથે ઢળી જશે, પણ કિરદારની સુવાસ જગતમાં રહી જશે.”

લેખિકા – દર્શના પટેલ નેશનલ મેડાલિસ્ટ


