અમદાવાદના પોશ ગણાતા પંચવટી વિસ્તારમાં આજે બપોરના સમયે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. જ્યાં આવેલા પ્રખ્યાત સેન્ટ્રલ મોલની બિલકુલ બાજુમાં આવેલી ‘શિવાલિક બિલ્ડિંગ’ માં ઓચિંતી આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અને બિલ્ડિંગમાં રહેલા લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.
ઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના પંચવટી વિસ્તારમાં આવેલા શિવાલિક બિલ્ડિંગના 6ઠ્ઠા માળે આગ લાગી હતી. બિલ્ડિંગના ઉપરના માળેથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈને લોકો તુરંત જ બિલ્ડિંગની બહાર દોડી આવ્યા હતા. આગ લાગવાનું પ્રાથમિક કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે.

ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર વિભાગ હરકતમાં આવ્યું હતું. ફાયર ફાઈટર્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા 1 ફાયર ટેન્ડર ની મદદથી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. સમયસર પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમને કારણે આગ વધુ પ્રસરે તે પહેલા જ તેને ઠારી દેવામાં આવી હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.
સૌથી રાહતની વાત એ છે કે, આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. બિલ્ડિંગમાં હાજર તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, અને આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરના ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં આગની ઘટનાને પગલે થોડા સમય માટે વાહનવ્યવહાર પર પણ અસર પડી હતી, પરંતુ સ્થિતિ હવે નિયંત્રણમાં છે.


