ભારતે વેનેઝુએલામાં રહેલા નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી અમેરિકા–વેનેઝુએલા રાજકીય તણાવને પગલે ભારતે પોતાના નાગરિકોને સાવચેત રહેવા કહ્યું વિદેશ મંત્રાલયે વેનેઝુએલાની બિનઆવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપી
અમેરિકા દ્વારા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડને લઈને ઊભી થયેલી ગંભીર રાજકીય અને સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે પોતાના નાગરિકો માટે મહત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરી છે. શનિવારે રાત્રે વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ આ સલાહમાં વેનેઝુએલાની બિનઆવશ્યક મુસાફરી ટાળવા અને ત્યાં રહેલા ભારતીયોને અત્યંત સાવચેત રહેવા વિનંતી કરવામાં આવી છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વેનેઝુએલામાં તાજેતરમાં બનેલા ઘટનાઓને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે. તેથી ત્યાં રહેતા અથવા પ્રવાસ કરવાની યોજના ધરાવતા ભારતીય નાગરિકોએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. મંત્રાલયે વેનેઝુએલામાં રહેલા તમામ ભારતીયોને તેમની હિલચાલ મર્યાદિત રાખવા, ભીડભાડવાળા વિસ્તારો ટાળવા અને કોઈપણ અણધારી પરિસ્થિતિમાં કારાકાસ સ્થિત ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ આપી છે.

આ એડવાઇઝરી મુજબ, હાલમાં વેનેઝુએલામાં અંદાજે 50 બિન-નિવાસી ભારતીયો (NRI) અને લગભગ 30 ભારતીય મૂળના લોકો વસે છે. તેમની સુરક્ષા ભારત સરકાર માટે પ્રાથમિકતા હોવાનું પણ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે.
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની વાત કરીએ તો, તેમનો જન્મ 23 નવેમ્બર 1962ના રોજ થયો હતો. તેઓ એક મજૂર સંઘના નેતાના પુત્ર છે અને રાજકારણમાં પ્રવેશ કરતા પહેલાં બસ ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. 1992માં તેમણે હ્યુગો ચાવેઝના નેતૃત્વ હેઠળ રાજકારણમાં પગ મૂક્યો અને બાદમાં ચાવેઝના વિશ્વાસુ સાથી બન્યા. ચાવેઝના શાસન દરમિયાન માદુરોએ વિદેશ પ્રધાન અને રાષ્ટ્રીય સભાના પ્રમુખ તરીકે મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી હતી.


