નવી દિલ્હી : ડિસેમ્બરમાં ખાદ્યાન્ન વસ્તુઓનાં ભાવ વધવાને કારણે રિટેલ ફુગાવો વધીને ત્રણ મહિનાનાં ઉચ્ચતમ સ્તર ૧.૩૩ ટકાએ પહોંચી ગયો છે. જો કે રીટેલ ફુગાવો વધ્યો હોવા છતાં હજુ પણ તે આરબીઆઇનાં સંતોષકારક સ્તરનાં દાયરામાં જ છે.ઉલ્લેખનીય છે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત રિટેલ ફુગાવો નવેમ્બર,૨૦૨૫માં ૦.૭૧ ટકા અને ડિસેમ્બર, ૨૦૨૪માં ૫.૨૨ ટકા હતો. જ્યારે સપ્ટેમ્બર, ૨૦૨૫માં આ ફુગાવો ૧.૪૪ ટકા હતો.
ખાદ્યાન્ન ફુગાવો ડિસેમ્બરમાં માઇનસ ૨.૭૧ ટકા રહ્યો છે. જે નવેમ્બરમાં માઇનસ ૩.૯૧ ટકા રહ્યો હતો. આ સાથે ખાદ્યાન્ન ફુગાવો છેલ્લા સળંગ સાત મહિનાથી નેગેટિવ રહ્યો છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ) સીપીઆઇ ડેટા રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે પર્સનલ કેર સામગ્રી, શાકભાજી, માંસ, માછલી, ઇંડા, મસાલા અને દાળોનાં ભાવ વધવાને કારણે ડિસેમ્બરમાં ફુગાવામાં વૃદ્ધિ જોવા મળી છે.

રિટેલ ફુગાવો શહેરી વિસ્તારોમાં ૨.૦૩ ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં ૦.૭૬ ટકા રહ્યો છે. સળંગ ચોથા મહિને રિટેલ ફુગાવો આરબીઆઇનાં સંતોષકારક સ્તરનાં દાયરામાં રહ્યો છે.કેન્દ્ર સરકારે આરબીઆઇને રિટેલ ફુગાવો ચાર ટકા સુધી રાખવા જણાવ્યું છે. જો કે તેમાં બે ટકાની વધ ઘટ સ્વીકાર્ય ગણવામાં આવી છે. સૌથી વધુ રિટેલ ફુગાવો ધરાવતા પાંચ રાજ્યોમાં કેરળ (૯.૪૯ ટકા), કર્ણાટક (૨.૯૯ ટકા), આંધ્ર પ્રદેશ (૨.૭૧ ટકા), તમિલનાડુ (૨.૬૭ ટકા) અને જમ્મુ-કાશ્મીર (૨.૨૬ ટકા)નો સમાવેશ થાય છે.


