મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવમાં ઘટાડો ઝડપથી આગળ વધ્યો હતો. તૂટતી બજારે નવી માગ ધીમી પડી હતી તથા દિવાળી પૂર્વે ગ્રાહકો ભાવમાં વધુ ઘટાડાની રાહ જોઈ રહ્યા હતા.
વિશ્વ બજારમાં ભાવ તૂટતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ ગબડતાં દેશમાં કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી તથા તેના પગલે ઝવેરી બજારોમાં ભાવ તૂટતા જોવા મળ્યા હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૦૩૨થી ૪૦૩૩ વાળા તૂટી નીચામાં ભાવ ૩૯૬૫ થઈ ૩૯૬૭થી ૩૯૬૮ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૫૦૦ તૂટયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૭૦૦૦ ગબડયા હતા. વિશ્વ બજારમાં અમેરિકામાં ફુગાવો વધતાં ત્યાં આગળ ઉપર વ્યાજના દર વધવાની શક્યતા વધતાં વિશ્વ બજારમાં સોનામાં ફંડોનું સેલીંગ વધ્યું હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંસના ૫૨.૮૦ વાળા ઘટી ૫૦.૨૦ થઈ ૫૦.૨૪થી ૫૦.૨૫ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ આજે વધુ રૂ.૨૨૦૦ તૂટી ૯૯૫ના રૂ.૧૩૯૪૯૩ તથા ૯૯૯ના રૂ.૧૪૦૦૫૪ બોલાયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર વધુ રૂ.૯૦૦૦ તૂટી રૂ.૧૮૧૩૪૪ બોલાયા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૮૨૮૩ વાળા ગબડી રૂ.૫૩૫૯૭ બોલાતા થયા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૧૪૯૭ વાળા ઘટી ૧૪૩૩ થઈ ૧૪૩૫થી ૧૪૩૬ ડોલર રહ્યા હતા. પેલેડીયમ ના ભાવ ૧૦૦૩ વાળા નીચામાં ભાવ ૯૭૫ થઈ ૯૭૬ ડોલર રહ્યા હતા. અમદાવાદ બજારમાં આજે સોનાના સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ.૧૪૪૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૫૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ તૂટી રૂ.૧૮૬૦૦૦ બોલાયા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડના ભાવ ફરી ઉંચકાયા હતા.
અમેરિકા દ્વારા ઈરાન પર ફરી હુમલો કરશે એવી શક્યતા વધતાં ક્રૂડના ભાવ ફરી ઉંચકાયા હતા. વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવ બેરલના ૧૧૩.૮૧ વાળા ઉછળી ૧૧૮ થઈ ૧૧૭.૫૫ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ વધી ૧૦૪.૯૯ થઈ ૧૦૪.૦૭ ડોલર રહ્યા હતા.દરમિયાન, વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૩૬ ટકા વધ્યા હતા.


