E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeRashifalBusinessBusiness : ઈરાન ખાતે ભારતની ચોખા, ચા, ખાંડ સહિતની 1.2 અબજ ડોલરની...

Business : ઈરાન ખાતે ભારતની ચોખા, ચા, ખાંડ સહિતની 1.2 અબજ ડોલરની નિકાસ જોખમમાં : ડ્રાય ફ્રૂટ્સના ભાવ વધી શકે

ભારતીય સામાન પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 50 ટકા ટેરિફ લગાવતા અને યુએસ ટ્રેડ ડીલ અંગે વ્યાપેલી અનિશ્ચિતતા વચ્ચે હવે ટ્રમ્પે ઈરાન સાથે વેપાર કરતાં દેશો પર તાત્કાલિક અસરથી 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જેથી હવે ભારત પર આ ઘોષણાની વધુ પ્રતિ
Business| By Sandesh Team | Published: Jan 14, 2026 06:07 am

ભારતીય સામાન પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 50 ટકા ટેરિફ લગાવતા અને યુએસ ટ્રેડ ડીલ અંગે વ્યાપેલી અનિશ્ચિતતા વચ્ચે હવે ટ્રમ્પે ઈરાન સાથે વેપાર કરતાં દેશો પર તાત્કાલિક અસરથી 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જેથી હવે ભારત પર આ ઘોષણાની વધુ પ્રતિકૂળ અસર થઈ શકે છે. કેમ કે, ઈરાન સાથે બિઝનેસ કરનારા પાંચ મુખ્ય દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે.

ભારતના ઈરાન ખાતેના 1.24 અબજ ડોલરના નિકાસ વેપાર સામે સંક્ટ પેદા થયું છે. 2025ના પ્રથમ દસ મહિનામાં ઈરાન સાથેનો ભારતનો વેપાર 1.34 અબજ ડોલર થયો હતો. ભારત ઈરાન ખાતે ચોખા, ચા, ખાંડ, દવા, માનવસર્જિત સ્ટેપલ ફાયબર્સ, ઈલેક્ટ્રિકલ મશીનરી અને આર્ટિફિશ્યિલ જ્વેલરીની નિકાસ કરે છે. જ્યારે ભારત ઈરાન ખાતેથી ડ્રાય ફ્રૂટ્સ, ઈનઓર્ગેનિક-ઓર્ગેનિક કેમિકલ્સ અને ગ્લાસવેરની આયાત કરે છે. ડ્રાય ફ્રૂટસ મોંઘા થવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ હતી. ઈરાન પર અમેરિકાએ અગાઉ પણ પ્રતિબંધો લગાવ્યા હતા, અને આ પ્રતિબંધો પહેલાથી જ અસર દેખાડવા લાગ્યા છે. બાસમતી ચોખાની નિકાસમાં વિલંબ થઈ રહ્યો છે અને ચૂકવણી પણ અનિશ્ચિત બની છે. જેથી ઘરેલૂં કિંમતો ઘટી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં 1,121 વસ્તુઓની કિંમતો રૂ.85થી ઘટીને રૂ.80 થઈ છે. જ્યારે 1,509 અને 1,718 વસ્તુઓની કિંમતો રૂ.70થી ઘટીને રૂ.65 થઈ ગઈ છે.

અલબત્ત એનર્જી મોરચે નવી દિલ્હીની ઈરાનથી ક્રૂડ ઓઈલની આયાત લગભગ નહિવત છે. જો કે ટ્રમ્પના 25 ટકાના ટેરિફના નિર્ણયથી ટૂંકા ગાળામાં વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવ, મૂડી પ્રવાહ, ચલણની હિલચાલ અને શિપિંગ ખર્ચમાં અસ્થિરતા વધવાની સંભાવના છે. બીજી તરફ ટ્રમ્પની 25 ટકા ટેરિફની ઘોષણા બાદ મંગળવારે તેલના ભાવમાં વધારો થયો હતો. આ સ્થિતિમાં ભારત ક્રૂડ ઓઈલના ભાવમાં ફેરફારનો ભોગ બનવાનું જોખમ ધરાવે છે. કેમ કે, ભારતની તેલની જરૂરિયાતની 85 ટકા માંગ આયાત દ્વારા પૂર્ણ થાય છે. ભાવમાં વધારાથી સરકાર પાસે આયાત અને ઈંધણ-ખાતર સબસિડી બિલ વધારીને સામાજિક કલ્યાણ ખર્ચ માટે થોડી નાણાંકીય જગ્યા રહેશે, જેના કારણે રૂપિયો નબળો પડશે અને ચાલુ ખાતાની ખાધ પર અસર પડશે. એકંદર અસર જીડીપી વૃદ્ધિને પણ અસર પહોંચાડી શકે છે. તેલના ભાવમાં સતત વધારો થવાથી ફુગાવાના દબાણમાં વધારો થઈ શકે છે. જો કે, ચોક્કસ અસર કિંમતો કેટલા સમય સુધી ઊંચી રહે છે, તેની પર નિર્ભર છે.

બીજી તરફ ચાલુ અનિશ્ચિતતા વચ્ચે રાજદ્વારી સંબંધોમાં વિરામ લાગી રહ્યો છે. ઈરાની વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીની 15-16 જાન્યુઆરીની ભારતની પ્રસ્તાવિત મુલાકાત રદ્દ કરવામાં આવી છે. જેમાં ચાબહાર બંદરનું ભવિષ્ય આ મુલાકાતના એજન્ડામાં મુખ્ય મુદ્દો હતો. આ પ્રોજેક્ટ માટે પણ અમેરિકાએ પ્રતિબંધો લગાવ્યા હતા. જેની સમાપ્તિ એપ્રિલમાં થશે. આ વચ્ચે સૂત્રોએ જણાવ્યું હતું કે, નવી દિલ્હીએ પ્રાદેશિક જોડાણ માટે બંદરના મહત્વ વિશે વોંશિગ્ટનને સફળતાપૂર્વક સમજાવ્યું હતું. ભારત માટે ચાબહાર ફક્ત ઈંટો અને ચૂના કરતાં વધુ છે. તે એક વ્યૂહાત્મક હેજ તરીકે કામ કરે છે. જે નવી દિલ્હીને એવા ક્ષેત્રમાં ઊંડાણ પૂરૂં પાડે છે જ્યાં ચીન પાકિસ્તાનના ગ્વાદર બંદર દ્વારા પોતાનો પ્રભાવ વધારી રહ્યું છે. 2024થી દસ વર્ષના સમયગાળા માટે ઈન્ડિયા પોર્ટ ગ્લોબલ લિમિટેડ દ્વારા સંચાલિત આ બંદર ઈરાની ભૂમિ પર એકમાત્ર મુખ્ય ભારત-નેતૃત્વ પ્રોજેક્ટ છે અને મધ્ય એશિયા સાથે એક મહત્વપૂર્ણ આર્થિક જોડાણ છે.

ભારત ભૂતકાળમાં પણ વૈશ્વિક અનિશ્ચિતતાઓની સમસ્યાઓમાંથી સફળતાપૂર્વક પસાર થઈ ચૂક્યું છે, ભારત માટે આ ચિંતાઓ નવી નથી, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સંઘર્ષ સમયે પણ ભારતે તેની અસરો નિવારી હતી અને આંચકા પચાવ્યા હતા, ઈઝરાયેલ સાથેના સંઘર્ષ સમયે ઈરાને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ શિપિંગ માર્ગોમાંથી એક હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની ચેતવણી આપી હતી, આ ધમકીઓએ ભારતના વેપારને જોખમમાં મૂક્યો હતો, કેમ કે, ભારત ક્રૂડ ઓઈલની કુલ જરૂરિયાત પૈકી 85 ટકાની આયાત કરે છે, જેમાં 40 ટકાથી વધુ પુરવઠો મધ્ય પૂર્વીય દેશોમાંથી આવે છે, જો કે હાલની સ્થિતિ અંગે વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, મર્યાદિત વિક્ષેપ પણ ભારતની રિફાઈનરી કામગીરી, રિટેલ ઈંધણ ભાવ અને વ્યાપક આર્થિક સ્થિરતાને વિક્ષેપિત કરી શકે છે, જો પુરવઠો ફરીથી રૂટ ન કરવામાં આવે તો પણ ઊંચા વીમા ખર્ચને કારણે શિપિંગ ખર્ચ વધશે, ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ તેલ કંપનીઓને સીધી અસર કરી શકે છે, ઉલ્લેખનિય છે કે, 2019માં જ્યારે હોર્મુઝમાં ટેન્કોર પર હુમલાઓએ ચિંતા વધારી દીધી હતી, ત્યારે ભારતે તેલ ટેન્કરોને એસકોર્ટ કરવા માટે તેના નૌકાદળને તૈનાત કર્યું હતું, હોર્મુઝ શાંતિ પહેલ હેઠળ તહેરાન સાથે રાજદ્વારી રીતે જોડાયું હતું, એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે બિઝનેસ કરતાં દેશો પર તાત્કાલિક અસરથી 25 ટકા ટેરિફ લાદી છે, ટ્રમ્પનો આ નિર્ણય ભારત માટે વધુ મુશ્કેલી સર્જી શકે છે, કેમ કે, ભારત પહેલાથી જ ટ્રમ્પના 50 ટકા ટેરિફનો ભાર વહન કરી રહ્યું છે, અને તેમાં પણ હવે 25 ટકાના વધારાના ટેરિફના બોજાથી ભારતીય સામાન પર કુલ ટેરિફ 75 ટકા થઈ શકે છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું, ટ્રમ્પની આ ઘોષણા વૈશ્વિક વેપારને ફરી ડિઝાઈન કરી શકે છે, તેવી પણ ચર્ચાઓ જન્મી છે

ભારત ઈરાન ખાતે ચોખા, ચા, ખાંડ, દવા, માનવસર્જિત સ્ટેપલ ફાયબર્સ, ઈલેક્ટ્રિકલ મશીનરી અને આર્ટિફિશ્યિલ જ્વેલરીની નિકાસ કરે છે, જ્યારે ભારત ઈરાન ખાતેથી ડ્રાય ફ્રૂટ્સ, ઈનઓર્ગેનિક-ઓર્ગેનિક કેમિકલ્સ અને ગ્લાસવેરની આયાત કરે છે, ઈરાન પર અમેરિકાએ અગાઉ પણ પ્રતિબંધો લગાવ્યા હતા, અને આ પ્રતિબંધો પહેલાથી જ અસર દેખાડવા લાગ્યા છે, બાસમતી ચોખાની નિકાસમાં વિલંબ થઈ રહ્યો છે અને ચૂકવણી પણ અનિશ્ચિત બની છે, જેથી ઘરેલૂં કિંમતો ઘટી રહી છે

ભારતની ઈરાન ખાતેની 1.24 અબજ ડોલરની નિકાસમાં એકલા ચોખાનો હિસ્સો 757.3 મિલિયન ડોલર છે, જે ઈરાન ખાતેની કુલ નિકાસમાં 61 ટકા હિસ્સો ધરાવે છે, નિકાસકારોનું માનવું છે કે, ચોખાની નિકાસને તાત્કાલિક અસરથી કોઈ અસર થશે નહીં, કેમ કે, ઈરાન સાથેનો વેપાર મોટાભાગે માનવતાવાદી ચીજવસ્તુઓ સુધી મર્યાદિત છે.

અમેરિકાના ઈરાન પરના અગાઉના પ્રતિબંધો ભારતના કોર્પોરેટ ક્ષેત્રને સ્પર્શી ગયા હતા, 2025માં ઈરાની ઉર્જા વેપારને સરળ બનાવવા બદલ ઘણી ભારત સ્થિત કંપનીઓ અને આઠ ભારતીય નાગરિકોને યુએસ સ્પેશ્યલ ડેઝિગ્નેટેડ નેશનલ્સ અને બ્લોક્ડ પર્સન્સ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા હતા, સૂચિબદ્ધ કરાયેલા લોકોને અમેરિકનો સાથે વ્યવસાય કરવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા અને અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો હતો, જે જટિલ ભૂરાજનીતિમાં નેવિગેટ કરતી ભારતીય કંપનીઓ માટે જોખમો દર્શાવે છે, એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું, ભારત હાલની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments