ન્યૂઝીલેન્ડની ટીમે જ્યારે ભારતીય ટીમને વનડે સીરિઝમાં હરાવ્યા ત્યારે ભારતના પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ કહ્યું કે, “આ હાર ખૂંચશે.” ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલી નિર્ણાયક મેચમાં, શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ 338 રનના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહી હતી. ભારત 41 રનથી મેચ હારી ગયું અને તેની સાથે ત્રણ મેચની ODI સીરિઝમાં 1-2થી હારી ગયું હતું. આમ, રોહિત-કોહલીનું ટેસ્ટ કરિયર પતાવી દેનાર પણ ન્યૂઝીલેન્ડની ટીમ જ હતી, ત્યારે હવે કોનો વારો છે?
વર્ષ 2024માં ટોમ લેથમની કેપ્ટનશીપ હેઠળ ન્યૂઝીલેન્ડની ટીમ ભારત આવી હતી અને ટેસ્ટ સીરિઝમાં ભારતને 3-0થી ક્લિન સ્વીપ કરી હતી. આ ન્યૂઝીલેન્ડ ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત થયું હતું. જોકે, આ હાર પછી ભારતીય ટીમમાં ઘણા ફેરફાર થયા. જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિનની સાખ પર સવાલો ઉઠ્યાં અને તેના થોડા જ દિવસોમાં ત્રણેય આ ફોર્મેટ માંથી સંન્યાસ લઈ લીધો. હવે 14 મહિના પછી ન્યૂઝીલેન્ડ ફરી એજ કામ કર્યુ છે, પરંતુ આ વખતે વનડે ફોર્મેટમાં.
ભારતીય ક્રિકેટમાં ઘરેલૂ સીરિઝની હાર માત્ર મેચ સુધી સિમિત રહેતી નથી. આ હાર પણ કદાચ વધુ અસર કરી શકે, કારણ કે ભારતમાં હવે આગામી 5 મહિના સુધી કોઈ વનડે મેચ રમાશે નહીં. આ સમય આત્મમંથન અને નિર્ણય લેવા માટે કાફી છે.

વર્ષ 2027 વનડે વર્લ્ડ કપની તૈયારી શરૂ થઈ ગઈ છે. તેવામાં સૌથી પહેલા નજર સિનિયર ખેલાડી પર કરાશે. વિરાટ કોહલી હાલ તો સુરક્ષિત જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં તેણે પોતાના ખેલના અંદાજમાં બદલાવ કર્યો છે અને આધુનિક વનડે ક્રિકેટના ફોર્મમાં પોતાને ઢાળ્યો છે. જ્યારે રોહિત શર્મા માટે રાહ એટલી સરળ દેખાતી નથી. તમને જણાવી દઈએ કે, ભારતની હાલની વનડે ટીમમાં 36 વર્ષથી ઉપરના માત્ર ત્રણ ખેલાડી છે. જેમાં કોહલી, રોહિત અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે.
જાડેજાએ આખી સીરિઝમાં એકપણ વિકેટ લીધી નથી. જ્યારે બેટિંગમાં પણ જાડેજાનું પ્રદર્શન એટલું શાનદાર રહ્યું નહોતું. નિર્ણાયક મેચમાં જ્યારે વિરાટ કોહલીને બીજા છેડેથી ટેકોની જરૂર હતી, ત્યારે જાડેજાએ બિનજરૂરી શોટ રમીને વિકેટ ગુમાવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, નીચલા ક્રમના બેટ્સમેન હર્ષિત રાણાએ તેના કરતા સારી છાપ છોડી હતી. આ ઉપરાંત, બિલ્ડિંગમાં પણ જાડેજાનું એવુ સારુ પ્રદર્શન રહ્યું ન હતું..એવું થઈ શકે છે કે, આ સીરિઝ જાડેજાના વનડે કરિયરની છેલ્લો પડાવ રહે. કાગળ પર જોઈએ તો તેની જગ્યા ભરવી મુશ્કેલ થસે. અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર બંને હાજર છે.
છેલ્લી વખત જ્યારે ન્યૂઝીલેન્ડે ઘરઆંગણે ભારતને હરાવ્યું હતું, ત્યારે સંપૂર્ણ દોષ ખેલાડીઓ પર આવ્યો હતો. ગૌતમ ગંભીર ત્યારે નવા કોચ હતા અને ટીમ મોટાભાગે રાહુલ દ્રવિડના સમયની હતી. આ વખતે પ્રશ્નો ટાળવા મુશ્કેલ બનશે. ચેમ્પિયન્સ ટ્રોફી જીત સિવાય ગંભીરનો વનડે અને ટેસ્ટમાં કોચિંગ રેકોર્ડ ખાસ પ્રભાવશાળી રહ્યો નથી. અને આ હાર દક્ષિણ આફ્રિકા સામે વ્હાઇટવોશ થયા પછી આવી છે.


