રાજકોટ શહેરમાં શુદ્ધ ખાદ્ય સામગ્રી મળી રહે તે હેતુથી મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મોટા પાયે ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને ખાદ્યતેલમાં પામ અને કપાસિયા તેલના મિશ્રણ દ્વારા થતી ભેળસેળની ફરિયાદોને પગલે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ફૂડ વિભાગની ટીમોએ શહેરની જાણીતી ઉમિયા એજન્સી, ભાવિક ટ્રેડિંગ અને યાદવ ગૃહ ઉદ્યોગ જેવા એકમોમાં દરોડા પાડી ખાદ્યતેલના શંકાસ્પદ નમૂનાઓ લીધા છે. આ ઉપરાંત, બજારમાં વેચાતા મસાલા ચણા જોર ગરમના નમૂના પણ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

આ કામગીરી દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસરોએ શહેરના કુલ 22 ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અનેક વેપારીઓ પાસે જરૂરી ફૂડ લાયસન્સ ન હોવાનું બહાર આવતા તંત્રએ 14 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે કડક નોટિસ ફટકારી છે. ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જો નમૂનાઓ ફેઈલ જશે તો સંબંધિત વેપારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ભારે દંડ વસૂલવામાં આવશે. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ પ્રકારનું ચેકિંગ ચાલુ રાખવામાં આવશે.


