E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : પાલનપુરમાં હડકાયા શ્વાન જેવું વર્તન કરતો યુવક 24 કલાકમાં સ્વસ્થ,...

Gujarat : પાલનપુરમાં હડકાયા શ્વાન જેવું વર્તન કરતો યુવક 24 કલાકમાં સ્વસ્થ, જાણો ડોક્ટરોએ શું કહ્યું?

બનાસકાંઠા જિલ્લાના નળાસર ગામમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં ડોક્ટરો માટે કોયડો ઊભો થયો છે. ત્રણ મહિના પહેલા હડકાયું શ્વાન કરડ્યા બાદ શુક્રવારે (30મી જાન્યુઆરી) અચાનક શ્વાન જેવી હરકતો કરવા લાગેલા યુવકની હાલતમાં 24 કલાકમાં સુધારો જોવા મળ્યો છે. જે યુવકને મોતના મુખમાં માની લેવામાં આવ્યો હતો, તે હવે સામાન્ય રીતે વાતચીત કરી રહ્યો છે અને ભોજન પણ લઈ રહ્યો છે.

મૂળ સાબરકાંઠાના વિજયનગરનો અને હાલ નળાસરમાં ખેતમજૂરી કરતો યુવક શુક્રવારે અચાનક વિચિત્ર વર્તન કરવા લાગ્યો હતો. યુવક શ્વાનની જેમ ચાર પગે ચાલવા લાગ્યો હતો, લોકો પર ભસતો હતો અને તેમને કરડવા દોડતો હતો. ગામલોકોએ તેને હડકવા (Rabies) થયો હોવાનું સમજી, દોરડાથી બાંધી દીધો હતો અને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. હોસ્પિટલમાં પણ યુવકે ભારે તોફાન મચાવતા આખરે પોલીસની મદદથી તેને દોરડા વડે બાંધી, ઈન્જેક્શન આપી બેભાન કરવો પડ્યો હતો.

શરૂઆતમાં યુવકની સ્થિતિ જોઈને ડોક્ટરોએ પણ આશંકા વ્યક્ત કરી હતી કે તેને હડકવા ઉપડ્યો છે અને તેના બચવાની શક્યતા નહિવત છે. પરંતુ 34 કલાકમાં ચિત્ર બદલાઈ ગયું હતું. આ યુવક હવે સંપૂર્ણ સ્વસ્થ છે અને ડોક્ટરોના પ્રશ્નોના શાંતિથી જવાબ આપી રહ્યો છે. હડકવાના દર્દીને પાણીથી ડર લાગે છે (હાઈડ્રોફોબિયા), પરંતુ આ યુવકે ડોક્ટરોની હાજરીમાં આરામથી પાણી પીધું હતું. આ ઉપરાંત યુવકે જણાવ્યું કે શ્વાન કરડ્યા બાદ તેણે સિવિલમાં જ 6 ઈન્જેક્શન લીધા હતા, જે સૂચવે છે કે તે રક્ષિત હતો.

પાલનપુર સિવિલના સુપ્રિટેન્ડન્ટ ડો. સુનિલ જોશીએ જણાવ્યું કે, ‘આ કેસ અત્યંત ચોંકાવનારો છે. જો ખરેખર હડકવા હોય, તો દર્દી આ રીતે સ્વસ્થ થઈ શકે નહીં. કદાચ તેને મગજમાં કોઈ અન્ય સમસ્યા હોઈ શકે છે જેના કારણે તે આવું વર્તન કરતો હતો. અમે જે એન્ટિબાયોટિક્સ આપી તેનાથી તેને રાહત થઈ હોય તેવું બની શકે.”

હડકવા અંગે ડો. સુનિલ જોશીએ જણાવ્યું કે, ‘દર્દીને હાલ કોઈ ચિહ્નો નથી દેખાતા પરંતુ એવું ન કહી શકાય કે આને હડકવા નથી, એના માટે સ્પેશ્યલ ટેસ્ટ ડોક્ટર કરાવશે, પછી જ આપણે નક્કી કરીશું કે આને ખરેખર કોઈ સમસ્યા છે કે નહીં. તેને મગજની અંદર કોઈ સમસ્યા થઈ છે જેના લીધે આવું વર્તન કરતો હતો, તેનું 100 ટકા કશું કારણ છે. પરંતુ અમે જે એન્ટિબાયોટિક અને અન્ય દવાઓ ચાલુ કરી એના પરિણામે જે કંઈ થયું હશે તેનાથી સ્વસ્થ થયો હોય એવું બને પરંતુ જો હડકવા હોય તો અમે આજ સુધી એવું જોયું નથી કે માણસ સ્વસ્થ થઈ જાય. હવે જો હડકવા નથી એ નક્કી કરવું હોય તો દર્દીના લાળનો RTPCR ટેસ્ટ કરવો પડે. એના કારણે રેબિસ વાયરસ ડિટેક્ટ થઈ શકે છે. આ સહિત અન્ય કેટલાક ટેસ્ટ છે એ થયા પછી જ હડકવા છે કે નહીં તે નક્કી થતું હોય છે જે ડોક્ટર કરશે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments