ગૂગલે કર્મચારીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે – ટેકનોલોજીના નવા યુગ સાથે આગળ વધો અથવા ગૌરવપૂર્વક કંપની છોડો. AI-ફર્સ્ટ વ્યૂહરચના હેઠળ કંપની હવે સંપૂર્ણ પ્રતિબદ્ધતા ઇચ્છે છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના વધતા પ્રભાવ વચ્ચે ગૂગલે તેના ગ્લોબલ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (GBO) વિભાગમાં કાર્યરત કર્મચારીઓ માટે સ્વૈચ્છિક એક્ઝિટ પેકેજ (VEP)ની જાહેરાત કરી છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે હવે તેનું મુખ્ય ધ્યાન ‘AI-first’ મિશન પર છે અને ભવિષ્યમાં તેવા જ કર્મચારીઓ સાથે આગળ વધશે જે આ દિશામાં સંપૂર્ણ રીતે જોડાયેલા રહેવા તૈયાર છે.
ગૂગલના ચીફ બિઝનેસ ઓફિસર ફિલિપ ચૅન્ડલરે આંતરિક મેમો દ્વારા કર્મચારીઓને સંદેશ આપ્યો હતો. તેમણે લખ્યું કે ટેક દુનિયા ઝડપથી બદલાઈ રહી છે, સ્પર્ધા કઠિન બની રહી છે અને કંપની માટે આ સમય અત્યંત મહત્વનો છે. તેમણે કર્મચારીઓને AI ટેક્નોલોજી સ્વીકારીને વધુ અસરકારક બનવા પ્રોત્સાહિત કર્યા.

આ પહેલ એક વર્ષમાં ત્રીજી વાર કરવામાં આવી છે. નોંધનીય છે કે ગૂગલ બળજબરીથી છટણી કરવાને બદલે સ્વૈચ્છિક રીતે કંપની છોડવાની તક આપી રહી છે. જે કર્મચારીઓ ઝડપી ગતિના, ટેક્નોલોજી આધારિત વાતાવરણમાં અનુકૂલન સાધવામાં અસમર્થ અનુભવે છે, તેમના માટે આ એક વિકલ્પરૂપ યોજના છે. કંપનીનો ઉદ્દેશ સ્પષ્ટ છે – ભવિષ્ય AI કેન્દ્રિત છે અને ગૂગલ આ ક્ષેત્રમાં અગ્રેસર રહેવા માગે છે. તેથી હવે દરેક કર્મચારી પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ AI ટૂલ્સ, ઓટોમેશન અને ડેટા આધારિત કામકાજ પદ્ધતિઓ અપનાવે.
ફિલિપ ચૅન્ડલરે જણાવ્યું હતું કે કંપની તેવા કર્મચારીઓને વળતર સાથે બહાર નીકળવાની તક આપી રહી છે જેમને AI આધારિત કાર્યશૈલીમાં રસ નથી. આ પગલું એક પ્રકારનું અલ્ટીમેટમ ગણાય છે – “AI સાથે આગળ વધો અથવા ગૌરવ સાથે કંપની છોડો.” જો કે , યુનાઇટેડ સ્ટેટ્સમાં મોટી ગ્રાહક વેચાણ ટીમો અને ગ્રાહક-મુખી ભૂમિકાઓમાં કામ કરતા કર્મચારીઓ પર આ નિર્ણયનો સીધો પ્રભાવ નહીં પડે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ગૂગલ સહિત વિશ્વની અનેક ટેક કંપનીઓએ AI પર ભાર મૂક્યો છે. ચેટબોટ, ઓટોમેશન, મશીન લર્નિંગ અને જનરેટિવ AI જેવી ટેક્નોલોજીઓ હવે વ્યાપારની મુખ્ય ધરી બની ગઈ છે. ગૂગલ હવે ઇચ્છે છે કે તેનો દરેક વિભાગ – વેચાણ, માર્કેટિંગ, ઓપરેશન્સ – AI આધારિત કાર્યપદ્ધતિ અપનાવે. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે ભવિષ્યમાં નોકરીઓ માટે માત્ર અનુભવ પૂરતો નથી, પરંતુ નવી ટેક્નોલોજી સાથે ઝડપથી શીખવાની અને અનુકૂળ થવાની ક્ષમતા પણ જરૂરી બનશે.
ગૂગલનો આ નિર્ણય સમગ્ર ટેક ઉદ્યોગ માટે એક સંકેત છે. AI હવે વૈકલ્પિક સાધન નહીં પરંતુ મુખ્ય કાર્યશૈલી બની રહી છે. કંપનીઓ હવે તેવા કર્મચારીઓને પ્રાધાન્ય આપે છે, જે ટેક્નોલોજી સાથે આગળ વધવા તૈયાર હોય. આ રીતે ગૂગલે સ્પષ્ટ સંદેશ આપ્યો છે – ભવિષ્ય AI નું છે, અને જે તેની સાથે આગળ વધશે તે જ સફળ રહેશે.


