અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી તણાવ વધવાના કારણે આજે 20 ફેબ્રુઆરીએ સોના-ચાંદીની કિંમતમાં ધરખમ ઉછાળો થયો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને જાહેરમાં ચેતવણી આપીને ન્યૂક્લિયર ડીલ માટે 10-15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે, નહીં તો ઈરાને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ આપી છે.
અમેરિકાએ ઈરાનને ધમકી આપ્યા બાદ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના-ચાંદીના ભાવમાં જોરદાર વધઘટ જોવા મળી છે. 10 ગ્રામ સોનાના ભાવની વાત કરીએ ગઈકાલે ભાવ 154,819 રૂપિયા પર બંધ થયા બાદ આજે 155,105 રૂપિયા પર ઓપન થયો હતો. ત્યારબાદ સોનું નીચામાં 154,890 રૂપિયા અને ઊંચામાં 156,607 પર પહોંચ્યો હતો. એટલે કે દિવસ દરમિયાન સોનાના ભાવમાં 1.717 રૂપિયાની ઉથલપાથલ જોવા મળી છે. હાલ સોનાનો ભાવ બપોરે 2.40 કલાકે 1,56,413 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

જ્યારે સોનાના ભાવની વાત કરીએ ગઈકાલે ભાવ 241,393 રૂપિયા પર બંધ થયા બાદ આજે 243,874 રૂપિયા પર ઓપન થયો હતો. ત્યારબાદ ચાંદી નીચામાં 241,245 રૂપિયા અને ઊંચામાં 251,300 પર પહોંચ્યો હતો. એટલે કે દિવસ દરમિયાન ચાંદીના ભાવમાં 10,055 રૂપિયાની ઉથલપાથલ જોવા મળી છે. હાલ ચાંદીનો ભાવ 2.40 કલાકે 2,47,993 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.
સ્પૉટ ગોલ્ડની કિંમત 5010 ડૉલરથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. ડૉલર મજબૂત થવાના કારણે સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. કરન્સી બાસ્કેટમાં અન્ય કરન્સીના મુકાબલે ડૉલર મજબૂત થવાથી સામાન્ય રીતે અન્ય કરન્સીથી ખરીદી કરનારાઓ માટે સોનું મોંઘુ થઈ જાય છે. આ જ કારણે ભાવમાં સોનાના ભાવમાં ઉથલ-પાથલ જોવા મળી રહી છે.
અમેરિકન ફેડરલ રિઝર્વની FOMC બેઠકમાંથી માહિતી સામે આવી છે કે, પોલિસી બનાવનારાઓમાં વ્યાદરમાં કપાત કરવા મામલે જુદા જુદા મંતવ્યો ચાલી રહ્યા છે. કેટલાકનું કહેવું છે કે, જો મોંઘવારીનો ટાર્ગેટ પુરો નહીં થાય તો વ્યાજ દર વધી શકે છે.


