હેરિટેજ સીટી તરીકે ઓળખાતું અમદાવાદ આજે પણ પોતાના દરવાજાઓમાં છુપાયેલ ઇતિહાસને સાચવી રાખે છે. એમાં ખાસ સ્થાન ધરાવે છે કાલુપુર દરવાજો, જે માત્ર એક દરવાજો નહીં પરંતુ અહેમદ શાહ બાદશાહના શાસનકાળ દરમિયાન પણ ખાસ કામ માટે ઉપયોગમાં લેવામાં આવતો હતો.
અમદાવાદની સ્થાપના 15મી સદીમાં અહેમદ શાહ બાદશાહ દ્વારા કરવામાં આવી હતી. તે સમયમાં શહેરને સુરક્ષિત રાખવા માટે વિશાળ કિલ્લાબંધી કરવામાં આવી હતી અને તેની સાથે બનાવવામાં આવ્યા હતા કુલ 12 મુખ્ય દરવાજાઓ. આ દરવાજાઓ શહેરમાં આવનજાવન, વેપાર, સુરક્ષા અને વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હતા. કાલુપુર દરવાજો એ જ ઐતિહાસિક દરવાજાઓમાંનો એક છે, જે આજે પણ પોતાના મૂળ સ્વરૂપમાં ઊભો છે. સમય બદલાયો, વાહનો આવ્યા, શહેર વિસ્તર્યું છતાં આ દરવાજો અમદાવાદના ગૌરવનું પ્રતિક બનીને ટક્યો છે.
કાલુપુર દરવાજો અમદાવાદના પૂર્વ ભાગમાં આવેલો છે. આજકાલ જે વિસ્તાર કાલુપુર માર્કેટ તરીકે ઓળખાય છે, એ વિસ્તાર આ દરવાજાના કારણે જ વિકસ્યો. આ દરવાજો શહેરના અંદરના ભાગને બહારના ગ્રામ્ય વિસ્તારો સાથે જોડતો મુખ્ય માર્ગ હતો.

અહેમદ શાહ બાદશાહના શાસનકાળ દરમિયાન કાલુપુર દરવાજાનો ખાસ ઉપયોગ શહેરમાં ભોજન અને અનાજ લાવવા માટે થતો હતો. ગામડાઓમાંથી શાકભાજી, અનાજ અને દૈનિક જરૂરિયાતની વસ્તુઓ આ દરવાજા મારફતે શહેરમાં પ્રવેશતી હતી. એટલે કહી શકાય કે કાલુપુર દરવાજો અમદાવાદની “અન્ન દરવાજા” સમાન હતો.
કાલુપુર દરવાજાનું નિર્માણ 15મી સદીમાં થયું હતું અને તેની રચના મોહમદ બેગડાના સમયમાં કરવામાં આવી હતી. આ દરવાજાની ઊંચાઈ લગભગ 27 ફૂટ છે. તેની રચનામાં આયર્ન પ્લેટ અને મજબૂત ટિમ્બર (લાકડું)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે સમયના કારીગરોએ એટલી દ્રઢ બનાવટ કરી હતી કે સદીઓ વીતી ગઈ છતાં દરવાજો આજે પણ મજબૂતીથી ઊભો છે. દરવાજાની અંદર સિપાઈઓ માટે ખાસ ખાણા અને ગોખલા બનાવવામાં આવ્યા હતા, જ્યાંથી શહેરની સુરક્ષા રાખવામાં આવતી હતી. આ તમામ ઢાંચાકીય રચનાઓ આજે પણ જોવા મળે છે, જે તે સમયની અદભૂત આર્કિટેક્ચરલ સમજ બતાવે છે.
આજે કાલુપુર દરવાજો મુખ્યત્વે કાલુપુર માર્કેટ માટે ઓળખાય છે. આ માર્કેટ અમદાવાદનું સૌથી જૂનું અને સૌથી વ્યસ્ત શાકભાજી બજાર માનવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી દુકાનો, પરંપરાગત વેપાર પદ્ધતિ અને માહોલને કારણે રોજિંદા હજારો લોકો અહીં ખરીદી માટે આવે છે. કોઈ પણ તહેવાર કે ખાસ પ્રસંગ હોય ત્યારે લોકો શાકભાજીથી લઈને ડ્રાયફ્રૂટ સુધીની ખરીદી કરવા ખાસ કરીને કાલુપુર માર્કેટનો પસંદ કરે છે. એટલું જ નહીં, શહેરભરના અનેક રિટેલ વેપારીઓ પણ પોતાનો માલ સીધો અહીંથી જ ખરીદે છે, જેના કારણે કાલુપુર માર્કેટ અમદાવાદના વેપાર જીવનનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે.
અમદાવાદને યુનેસ્કો દ્વારા હેરિટેજ સીટીનો દરજ્જો મળ્યા બાદ દેશ-વિદેશથી પ્રવાસીઓ અહીં આવે છે. તેઓ અમદાવાદની સંસ્કૃતિ, ખાણીપીણી અને ઇતિહાસને નજીકથી જોવા માંગે છે અને આ પ્રવાસ દરમિયાન કાલુપુર દરવાજાની મુલાકાત અચૂક લે છે. કાલુપુર દરવાજો માત્ર ઈંટ-પથ્થરનું બંધાણ નથી, પરંતુ તે અમદાવાદના 615 વર્ષના ગૌરવ, પરંપરા અને જીવનશૈલીનું પ્રતિબિંબ છે.


