80ના દાયકામાં આવેલ મહાભારત સીરિયલ આજે પણ લોકોના માનસપટ પર છે. 94 એપિસોડની આ સીરિયલ 2 ઓક્ટોબર, 1988 થી 24 જૂન, 1990 સુધી દૂરદર્શન પર પ્રસારિત કરાઈ હતી. બી. આર. ચોપરાનું નિર્માણ અને તેમના પુત્ર રવિ ચોપરા દ્વારા દિગ્દર્શન કરાયેલ આ સીરિયલ એ સમયમાં પ્રસારિત થઈ ત્યારે માર્ગ સૂમશાન અને લોકો ટીવી સામે બેસી જતા હતા. આ સીરિયલના તમામ પાત્રો ખૂબ લોકપ્રિય થયા. પાંડવોની પત્ની દ્રૌપદીની ભૂમિકા ભજવનાર રૂપા ગાંગુલીના અભિનય જોઈ લોકો દંગ થઈ ગયા હતા. ‘મહાભારત’થી પ્રસિદ્ધિ મેળવ્યા બાદ રૂપા ગાંગુલી આજે ફિલ્મો અને ટીવીથી દૂર છે.
રૂપાને 1980 ના દાયકામાં સૌથી વધુ કમાણી કરતી ટીવી અભિનેત્રી માનવામાં આવતી હતી. તેમના શાનદાર અભિનય બદલ રૂપા ગાંગુલીને રાષ્ટ્રીય પુરસ્કારથી પણ સન્માનતિ કરાયા. અભિનેત્રી રૂપા ગાંગુલીએ હિન્દી સિનેમા ઉપરાંત તેમણે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાનું અભિનય કૌશલ્ય બતાવ્યું છે. 1986 માં, રૂપાએ ટેલિફિલ્મ નિરુપમા સાથે અભિનયની શરૂઆત કરી. પહેલો હિન્દી પ્રોજેક્ટ 1989 ની ફિલ્મ “એક દિન અચાનક” હતો. સલમાન ખાન અને અક્ષય કુમાર જેવા મોટા સ્ટાર્સ સાથે કામ કરનાર રૂપા ગાંગુલીનું અંગત જીવન વધુ દર્દભર્યું રહ્યું.

રિયાલિટી શો “સચ કા સામના” શોમાં પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન રૂપા ગાંગુલીએ અંગતજીવનને લઈને ખુલાસો કર્યો હતો જેણે સૌને ચોંકાવી દીધા. અભિનેત્રીએ કહ્યું કે લગ્નમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેના પતિ ધ્રુવના દબાણના કારણ તેણે અભિનય છોડી દીધો હતો. કામ છોડવાના કારણે તે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી. વારંવાર પતિ પાસે પૈસા માંગવા પડતા, પરંતુ તે આપતા નહોતા. પતિના વર્તનથી કંટાળી તેણે 3 વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
આ ઉપરાંત અભિનેત્રીએ પણ કબૂલાત કરી કે મહાભારતના શૂટિંગ દરમિયાન એક સહ-કલાકાર સાથે તે પ્રેમસંબંધમાં હતી. પરંતુ સીરિયલ બાદ તેમના સંબંધનો પણ અંત આવ્યો. આ વ્યક્તિનું નામ તેણે જાહેર કર્યું નહોતું. નોંધનીય છે કે રૂપાએ 1992માં મિકેનિકલ એન્જિનિયર ધ્રુવ મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન 2007 માં સમાપ્ત થયા. તેમને એક પુત્ર છે. છૂટાછેડા પછી, તેણી બંગાળી ગાયક દિવ્યેન્દુ મુખર્જી સાથે પ્રેમમાં પડી. તેઓ લાંબા સમય સુધી સાથે રહ્યા, પરંતુ આ સંબંધ પણ સમાપ્ત થયો.


