ભારતની T20 વર્લ્ડકપ-2026ની ફાઈનલ મેચમાં ઐતિહાસિક જીત બાદ ટીમ ઈન્ડિયા ટ્રોફીને સ્ટેડિયમ નજીક હનુમાનજીના મંદિરમાં દર્શન કરવા ગઈ હતી, જે મામલે ટીએમસી સાંસદ કીર્તિ આઝાદે વિવાદ ઉભો કર્યો હતો. હવે આ મામલે ઈશાન કિશને શાંતિપૂર્વક જવાબ આપ્યો છે.
ટીમ ઈન્ડિયાની જીત બાદ ઈશાન કિશન આજે (10 માર્ચ) પટણા પહોંચી ગયો છે અને અહીં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન એક પત્રકારે પૂર્વ ક્રિકેટ કીર્તિ આઝાદના તે નિવેદન અંગે સવાલ પૂછ્યો હતો, જેમાં આઝાદે મંદિરમાં વર્લ્ડકપ ટ્રોફી લઈ જવા પર ટિપ્પણી કરી હતી. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પરના યુઝર્સોએ ટીએમસી સાંસદને આડેહાથ લીધા હતા. જોકે જ્યારે ઈશાનને કીર્તિ આઝાદના નિવેદન અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે વિવાદથી બચવાનો પ્રયાસ કર્યો હતો. તેણે અનોખા અંદાજમાં શાંતિપૂર્વક જવાબ આપ્યો અને વાતચીત ટીમ ઈન્ડિયાની ઐતિહાસ જીત તરફ વાળી દીધી હતી.
ઈશાન કિશને કહ્યું કે, ‘હું હજુ તાજેતરમાં જ શાનદાર વર્લ્ડકપ જીતને આવ્યો છું, તેથી તમે સારા પ્રશ્નો પુછો. કીર્તિ આઝાદે શું કહ્યું, તેના પર હું શું કહું? તમે એવું પૂછો કે, કેવું લાગી રહ્યું છે, કેટલી મજા આવી.’ ઉલ્લેખનીય છે કે, ટી20 વર્લ્ડકપમાં ભારતની જીત થયા બાદ સુકાની સૂર્યકુમાર યાદવ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે અમદાવાદ સ્ટેડિયમ પાસે એક હનુમાન મંદિરમાં ટ્રોફી સાથે દર્શન કર્યા હતા. તેઓ પગપાળા ચાલીને ટ્રોફી લઈને મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

ટીએમસીના સાંસદ અને પૂર્વ ક્રિકેટ કીર્તિ આઝાદને ટીમ ઈન્ડિયાની મંદિરમાં જવાની આ રીતથી વાંધો પડ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, વર્લ્ડકપ આખા દેશની જીત છે. તેમણે લખ્યું કે, વર્લ્ડકપમાં જીત 140 કરોડ ભારતીયનું ગર્વ છે, ભલે તેઓનો કોઈપણ ધર્મ હોય, અને રમત આખા દેશનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ટીમ ઈન્ડિયાની આ રીતને શરમજનક ગણાવી સૂર્યકુમાર યાદવ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. આઝાલે લખ્યું હતું કે, ‘જ્યારે આપણે 1983માં કપિલ દેવની આગેવાનીમાં વર્લ્ડ કપ જીત્યા હતા, ત્યારે ટીમમાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી એમ દરેક ધર્મના ખેલાડીઓ હતા. આપણે ટ્રોફીને આપણી ધાર્મિક જન્મભૂમિ, આપણી માતૃભૂમિ ભારત હિન્દુસ્તાનમાં લાવ્યા હતા. ભારતીય ક્રિકેટ ટ્રોફીને આ વિવાદમાં શા માટે ખેંચવામાં આવી રહી છે? મસ્જિદ કેમ નહીં? ચર્ચ કેમ નહીં? ગુરુદ્વારા કેમ નહીં? આ ટીમ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે – સૂર્યકુમાર યાદવ કે જય શાહના પરિવારનું નહીં! સિરાજે ક્યારેય મસ્જિદમાં તેનું પ્રદર્શન કર્યું નથી. સંજુ તેને ક્યારેય ચર્ચમાં લઈ ગયો નથી, જેની (સંજુની) ભૂમિકા મહત્વની હતી અને તે ‘મેન ઓફ ધ ટુર્નામેન્ટ’ હતો. આ ટ્રોફી દરેક ધર્મના 140 કરોડ ભારતીય નાગરિકોની છે – આ કોઈ એક ધર્મનો વિજય ઉત્સવ નથી!’
ઈશાન કિશને ટી20 વર્લ્ડકપમાં શાનદાર દેખાવ કર્યો હતો. તેણે દરેક મેચમાં ઓપનિંગમાં આવીને દમદાર બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત અપાવી હતી. તેણે ખરાખરીની મેચોમાં પણ શ્રેષ્ઠ બેટિંગ કરી હતી. ઈશાને વર્લ્ડકપમાં કુલ 9 મેચમાં 317 રન ફટકાર્યા છે, જેમાં ત્રણ અડધી સદી સામેલ છે. તેણે પાકિસ્તાન વિરુદ્ધ વર્લ્કપની પોતાની શ્રેષ્ઠ મેચ રમીને 77 રન નોંધાવ્યા હતા અને ભારતને 61 રનથી જીત અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. જ્યારે તેણે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 25 બોલમાં 54 રન ફટકારતા ટીમ ઈન્ડિયા મોટો સ્કોર બનાવવામાં સફળ થયું હતું.


