E-Paper
Thursday, March 12, 2026
E-Paper
HomeArticleArticle : સાવધાન! યુગ પરિવર્તન દસ્તક દઈ રહ્યું છે શું તમે તૈયાર...

Article : સાવધાન! યુગ પરિવર્તન દસ્તક દઈ રહ્યું છે શું તમે તૈયાર છો?

શું આપણે મહાપરિવર્તનના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ?

આ પરિવર્તનમાં આપણો રોલ શું હશે?

આજે સમગ્ર વિશ્વ એક વિચિત્ર અજંપા અને પરિવર્તનના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. કુદરતી આફતો, વધતો જતો અહંકાર અને નૈતિક મૂલ્યોનું પતન જોઈને પ્રશ્ન થાય છે કે શું આપણે કોઈ મોટા અંત તરફ જઈ રહ્યા છીએ? ૬૦૦ વર્ષ પહેલાં ઓડિશાના પંચસખા સંતો દ્વારા લિખિત ‘ભવિષ્ય માલિકા’ આજના સમયની સચોટ ભવિષ્યવાણી કરે છે. આ માત્ર ભયની કથા નથી, પણ માનવજાતને જગાડવાનો એક દૈવી સંદેશ છે.


ભવિષ્ય માલિકાના સંકેતો: ચેતવણી કે સત્ય?
મહર્ષિ અચ્યુતાનંદ દાસજીએ તાડપત્રો પર લખ્યું હતું કે કળિયુગના અંતિમ ચરણમાં પ્રકૃતિ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. સૂર્યનો પ્રકોપ વધશે, ઋતુચક્ર ખોરવાશે અને પૃથ્વી પર એવી બીમારીઓ આવશે જેનો ઈલાજ વિજ્ઞાન પાસે નહીં હોય. આજે આપણે આપણી આંખે આ પરિવર્તનો જોઈ રહ્યા છીએ. પણ યાદ રાખજો, વિનાશ એ સર્જનની પૂર્વશરત છે. કળિયુગના કાદવમાંથી જ સત્ય યુગનું કમળ ખીલવાનું છે.


જ્યારે ચારેબાજુ અરાજકતા હોય ત્યારે માણસને કોઈ હથિયાર નહીં, પણ તેના ‘સત્કર્મ’ બચાવે છે. ભવિષ્ય માલિકાનો સાર એ જ છે કે જે ધર્મ (નૈતિકતા) ની રક્ષા કરે છે, ધર્મ તેની રક્ષા કરે છે.ગૌસેવા (જીવદયા)ગાય એ ભારતીય સંસ્કૃતિનો પ્રાણ છે. ગૌસેવા એ માત્ર ધાર્મિક વિધિ નથી, પણ પ્રકૃતિ પ્રત્યેની આપણી કૃતજ્ઞતા છે. અબોલ જીવોની સેવા કરનાર મનુષ્ય પર કુદરત હંમેશા મહેરબાન રહે છે. એક શિક્ષક તરીકે જ્યારે આપણે કોઈ બાળકના મનમાં પ્રામાણિકતા અને દયાના બીજ રોપીએ છીએ, ત્યારે આપણે આવનારા ‘સત્ય યુગ’ના નાગરિકને તૈયાર કરીએ છીએ. ડિગ્રીઓ તો દિવાલ પર લટકાવવા માટે છે, પણ સંસ્કાર જીવન જીવવા માટે છે. તમે કોઈ શાંત સરોવરમાં પથ્થર નાખો છો, તો તેના વલયો કિનારા સુધી પહોંચે જ છે. આપણું કર્મ પણ આવું જ છે. જો આપણે આજે નફરત અને સ્વાર્થ વાવીશું, તો ભવિષ્યમાં તેની જ લણણી કરવી પડશે. પણ જો આજે આપણે સેવાનું અમૃત વહેવડાવીશું, તો ગમે તેવો ‘મહાપ્રલય’ આવે, આપણી નૌકા સલામત રહેશે.”યુગ બદલાય એ પહેલાં આપણે બદલાવવું પડશે.”આપણને લાગે છે કે આપણે પૃથ્વીને બચાવવાની છે, પણ સત્ય એ છે કે આપણે આપણી જાતને બચાવવાની છે. સત્ય યુગમાં પ્રવેશવા માટે કોઈ વિઝાની જરૂર નથી, માત્ર ‘શુદ્ધ ચરિત્ર’ અને નિઃસ્વાર્થ કર્મ ના પાસપોર્ટની જરૂર છે. ભગવાન કલ્કિના આગમનની રાહ જોતા પહેલા, આપણે આપણા હૃદયમાં રહેલા અહંકારને મારવો પડશે.


હવે નિર્ણય તમારો છે!
યુગ પરિવર્તન એ કોઈ અટકાવી શકાય તેવી ઘટના નથી, તે સમયનું ચક્ર છે. પણ આ પરિવર્તનમાં આપણો રોલ શું હશે, તે આપણા હાથમાં છે. જ્યારે કળિયુગનો અંધકાર ઘેરો બનશે, ત્યારે તમારી પૂજાની થાળી કરતાં તમારા સેવાના હાથ વધુ કામ આવશે. ગાયની આંખોમાં રહેલી તૃપ્તિ, કોઈ ભૂખ્યા બાળકનું સ્મિત અને તમારા દ્વારા રોપાયેલા સંસ્કારના બીજ આ જ તમારી અસલી મૂડી હશે.ભવિષ્ય જાણવાની ઉત્સુકતા રાખવા કરતાં, ભવિષ્ય સુધરે તેવા કર્મો કરવાની તત્પરતા રાખવી વધુ શ્રેષ્ઠ છે.

લેખક: દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments