HomeArticleArticle : શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રેણી : અધ્યાય – ૧૨ (ભક્તિ યોગ)અધ્યાય...

Article : શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રેણી : અધ્યાય – ૧૨ (ભક્તિ યોગ)અધ્યાય ૧૧માં અહંકાર તૂટ્યો, અધ્યાય ૧૨માં હૃદય જોડાયું — ભક્તિ યોગનો અમૃત સાર

અધ્યાય ૧૧માં અર્જુને કૃષ્ણનું એવું વિરાટ વિશ્વરૂપ જોયું કે તેની આંખો સામે સમગ્ર બ્રહ્માંડ નાનું લાગવા માંડ્યું. જે કૃષ્ણને તે પોતાનો સખા અને સારથિ માનતો હતો, તે જ પ્રભુમાં તેણે સર્જન, પાલન અને કાળરૂપી સંહાર ત્રણેયનું પ્રત્યક્ષ દર્શન કર્યું. વિશ્વરૂપે અર્જુનનો અહંકાર ઓગાળી નાખ્યો. પરંતુ એ અતિશય તેજ અને ઉગ્ર સ્વરૂપથી સ્તબ્ધ થયેલા અર્જુને પ્રાર્થના કરી.. “હે પ્રભુ! આપનું આ રૌદ્ર રૂપ સંકેલીને ફરીથી આપનું એ જ સૌમ્ય, ચતુર્ભુજ અને સ્નેહાળ સ્વરૂપ પ્રગટ કરો.”
અહંકાર તૂટ્યા પછી હવે અર્જુનના હૃદયમાંથી એક અત્યંત સહજ પ્રશ્ન જન્મે છે.
“હે કૃષ્ણ! જો આપ સમગ્ર સૃષ્ટિનું પરમ સત્ય છો, તો આપને પામવાનો સૌથી સરળ અને શ્રેષ્ઠ માર્ગ કયો? અદ્રશ્ય-નિરાકાર બ્રહ્મને ભજવો કે પ્રેમથી આપના સાકાર રૂપની ભક્તિ કરવી?”
અહીંથી શરૂ થાય છે ગીતાનો સૌથી ટૂંકો, મધુર અને હૃદયસ્પર્શી અધ્યાય ભક્તિ યોગ. જ્યાં જ્ઞાન અને કર્મનો માર્ગ તીક્ષ્ણ બુદ્ધિ તથા કઠોર પુરુષાર્થ માંગે છે, ત્યાં ભક્તિનો માર્ગ સીધો હૃદય અને નિર્દોષ સમર્પણ સાથે જોડાયેલો છે.
સાકાર કે નિરાકાર કયો માર્ગ શ્રેષ્ઠ?
અર્જુનનો આ સવાલ માત્ર કુરુક્ષેત્ર પૂરતો સીમિત નથી; એ આપણા સૌના મનનો પ્રશ્ન છે. ઈશ્વરને પામવા જંગલમાં જઈને કઠિન તપ કરવું, માત્ર શાસ્ત્રો ઉકેલવા, પૂજા-અર્ચના કરવી કે રોજિંદા જીવનમાં સત્કર્મ કરવા?
ભગવાન શ્રીકૃષ્ણ અતિ સુંદર ઉત્તર આપે છે. “નિરાકાર, અદ્રશ્ય અને અવ્યક્ત બ્રહ્મની સાધના પણ અંતે મને જ પહોંચે છે, પરંતુ જ્યાં સુધી મનુષ્ય દેહધારી છે, ત્યાં સુધી રૂપ અને આકાર વગરના પરમતત્ત્વમાં મન સ્થિર કરવું અત્યંત કઠિન અને પીડાદાયક છે. જે ભક્ત પોતાના મન-બુદ્ધિને મારા સગુણ-સાકાર સ્વરૂપમાં પરોવી, પૂર્ણ શ્રદ્ધાથી મને સમર્પિત થઈને કર્મ કરે છે, તે મને સહજ રીતે પ્રાપ્ત કરે છે.”

બાળકને ભાષા શીખવતી વખતે સીધા વ્યાકરણના અમૂર્ત નિયમો સમજાવવા જઈએ તો તે મૂંઝાઈ જાય; પણ ‘ક’ કમળના ચિત્ર સાથે બતાવીએ તો તે ઝડપથી શીખી જાય છે. સાકાર ભક્તિ એ પરમાત્મા સાથે સ્નેહનો જીવંત સંબંધ બાંધવાનું સરળ માધ્યમ છે.
“જ્યાં બુદ્ધિ અને તર્ક થાકીને અટકી જાય છે, ત્યાંથી જ હૃદયની સાચી ભક્તિ શરૂ થાય છે.”
ભક્તિ એટલે માત્ર પૂજા નહીં ભક્તિ એટલે ઈશ્વર સાથેનો સંબંધ .આપણે ઘણીવાર માની લઈએ છીએ કે ભક્તિ એટલે માત્ર મંદિરમાં જવું, દીવો પ્રગટાવવો કે માળા ફેરવવી. પરંતુ ગીતા ભક્તિને ઘણું વિશાળ અને વ્યાવહારિક સ્વરૂપ આપે છે ઈશ્વરને સાક્ષી માનીને. કર્તવ્ય પૂરું કરવું. વિપરીત પરિસ્થિતિઓમાં પણ ઈશ્વર પર અતૂટ ભરોસો રાખવો. સફળતા મળે ત્યારે અહંકાર ન કરવો અને નિષ્ફળતામાં ઈશ્વરને દોષ ન દેવો.માતા પોતાના બાળકને કોઈ સ્વાર્થ કે ગણતરીથી પ્રેમ કરતી નથી; સાચો પ્રેમ ક્યારેય કારણ શોધતો નથી. આ જ નિઃસ્વાર્થ ભાવ ભક્તિનું સાચું સૌંદર્ય છે.શ્રીકૃષ્ણ જાણે છે કે દરેક મનુષ્યની ક્ષમતા અને મનની સ્થિતિ એકસરખી હોતી નથી. તેથી તેઓ કોઈ કઠોર બંધન લાદવાને બદલે ચાર સરળ વિકલ્પો આપે છે.
૧ મન અને બુદ્ધિનું પૂર્ણ સમર્પણ: જો શક્ય હોય તો તારા તમામ વિચારો, લાગણીઓ અને સંકલ્પો સંપૂર્ણપણે મારામાં સ્થિર કર.
૨. અભ્યાસ યોગ (સતત પ્રયત્ન): જો મન ચંચળ થઈને વારંવાર ભટકતું હોય, તો અભ્યાસ દ્વારા તેને ફરી-ફરી ઈશ્વર તરફ વાળવાનો પ્રયાસ કર.
૩. ઈશ્વર માટે કર્મ (સેવા ભાવ): જો ધ્યાન કે સાધના ન થઈ શકે, તો તું તારા દૈનિક કર્તવ્યોને જ ઈશ્વરની સેવા માનીને કર. શિક્ષક નિષ્ઠાથી ભણાવે, ખેડૂત ખેતી કરે, માતા પરિવારની સેવા કરે કે ખેલાડી રમે દરેક કાર્ય ઈશ્વરને અર્પણ કરી દેવું. કામ એ જ રહે છે, માત્ર દ્રષ્ટિકોણ બદલાય છે.
૪. કર્મના ફળનો ત્યાગ: જો ઉપરનું કંઈ પણ ન થઈ શકે, તો માત્ર પરિણામની આસક્તિ અને ચિંતા છોડી દે. પરિણામને પ્રસાદ સમજી સ્વીકારવાની માનસિકતા કેળવ.
મેદાન પર ઊતરેલો ખેલાડી જ્યારે સ્કોરબોર્ડ કે મેડલના દબાણમાં રમવાને બદલે પ્રક્રિયા (Process) અને પોતાની રમત પર ૧૦૦% ધ્યાન આપે છે, ત્યારે તેનું શ્રેષ્ઠ પ્રદર્શન આપોઆપ બહાર આવે છે. પરિણામનો ભાર છોડીને પ્રક્રિયામાં સમર્પિત થવું એ જ સાચો ભક્તિ યોગ છે.
“ભક્તિ એટલે સંસાર છોડીને જંગલમાં ભાગી જવું નહીં, પણ સંસારમાં રહીને બધું ઈશ્વરનું માનીને જીવવું.”
શ્રીકૃષ્ણને કેવો ભક્ત સૌથી વધુ પ્રિય છે?
અધ્યાય ૧૨નું હૃદય એ છે કે કૃષ્ણ મંદિરમાં ચડતી સામગ્રીની વાત નથી કરતા, પણ ભક્તના આંતરિક ગુણો દર્શાવે છે.
અદ્વેષ્ટા સર્વભૂતાનાં: જે કોઈ પણ જીવ પ્રત્યે વેર, ઈર્ષ્યા કે દ્વેષ રાખતો નથી.
મૈત્રઃ કરુણ એવ ચ: જે સૌ પ્રત્યે મિત્રતા અને કરુણાભાવથી વર્તે છે.
નિર્મમો નિરહંકારઃ: જેના અંતરમાંથી ‘મારું’ અને ‘હું’નો અહંકાર ઓગળી ગયો છે.
સમદુઃખસુખઃ ક્ષમી: જે સુખ અને દુઃખ બંનેમાં સ્થિર રહે છે અને ક્ષમાવાન છે.
હર્ષામર્ષભયોદ્વેગૈર્મુક્તો યઃ સ ચ મે પ્રિયઃ: જે અતિશય હર્ષ, ક્રોધ, ભય કે માનસિક ઉદ્વેગથી પર છે તેવો ભક્ત મને અત્યંત પ્રિય છે.
સમઃ શત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયોઃ: જે શત્રુ અને મિત્ર પ્રત્યે, તેમજ માન અને અપમાનમાં સમાન ભાવ રાખે છે.
એક શિષ્યે કહ્યું: “હું રોજ ભગવાનનું નામ લઉં છું.” ગુરુએ પૂછ્યું “જ્યારે કોઈ તારું અપમાન કરે, તારાથી આગળ નીકળી જાય કે ધારેલું પરિણામ ન મળે ત્યારે તારી સ્થિતિ શું હોય છે?” શિષ્ય મૌન રહ્યો. ગુરુએ હસીને કહ્યું: “મંદિરમાં તું ભગવાનને કેટલો યાદ કરે છે તેના કરતાં મુશ્કેલીમાં તું ભગવાનના આ ગુણોને કેટલા જીવે છે, તેના પરથી તારી સાચી ભક્તિ મપાય છે.”
“મંદિરમાં જઈને ઈશ્વર પાસે સુખ માંગવા કરતાં, ઈશ્વરને ગમે તેવા સજ્જન માણસ બનવું એ જ સાચી પૂજા છે.”
સફળતા મળે ત્યારે કહો: “આ મારી મહેનત સાથે ઈશ્વરની કૃપા છે.”
નિષ્ફળતા મળે ત્યારે કહો: “આ મારા માટે કોઈ નવો બોધપાઠ છે.”
કોઈ આગળ નીકળે તો ઈર્ષ્યા નહીં અને કોઈ પાછળ રહી જાય તો ઉપહાસ નહીં.
સાચી ભક્તિ એ ઈશ્વર પાસે માંગણીઓની યાદી રજૂ કરવી નથી, પણ પરિસ્થિતિ ગમે તેવી હોય તેનો હિંમતપૂર્વક સામનો કરી યોગ્ય કર્મ કરવાની શક્તિ માંગવી છે. અધ્યાય ૧૧ના વિશ્વરૂપે અહંકાર તોડ્યો, જ્યારે અધ્યાય ૧૨ના ભક્તિ યોગે હૃદયને ઈશ્વર સાથે જોડ્યું.
જે દિવસે પ્રાર્થના માત્ર ભગવાન પાસે માંગવાનું સાધન મટીને પોતાને અંદરથી બદલવાનું માધ્યમ બની જાય, તે દિવસથી સાચી ભક્તિની શરૂઆત થાય છે.
સમાપન
જીવનની અંતિમ યાત્રામાં આપણે કેટલા મંત્રો બોલ્યા તેનો હિસાબ નથી થતો; પરંતુ આપણે કેટલા હૃદયોમાં પ્રેમ, કરુણા, વિનમ્રતા અને શાંતિ વહેંચી એ જ આપણી સાધનાની સાચી ઓળખ બને છે. ઈશ્વર અનંત અને વિરાટ છે, પણ તેમને પામવાનો માર્ગ આપણા શુદ્ધ અને સમર્પિત હૃદય જેટલો જ સહજ છે.

ક્રમશઃ…
આગામી અધ્યાય ૧૩ — ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ માં આપણે જાણીશું—
“આ શરીર ખરેખર કોનું ક્ષેત્ર છે? શરીર, મન અને આત્મા વચ્ચેનો સાચો સંબંધ શું છે? ‘હું કોણ છું?’ અને આ દેહને જાણનારો ‘ક્ષેત્રજ્ઞ’ કોણ છે?”

દર્શના પટેલ
(નેશનલ મેડાલિસ્ટ,નેશનલ એવોર્ડથી સન્માનિત) સ્પોર્ટ્સ ટીચર.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments