કલ્પના કરો કે તમે વર્ષો પહેલા ઘર ખરીદવા માટે લોન લીધી હતી અને આજે તેનો છેલ્લો હપ્તો ચૂકવી દીધો છે. સ્વાભાવિક છે કે તમારા માથા પરથી દેવુ ઉતરી જતાં તમારી માસિક આવકમાંથી થોડી બચત થવા લાગે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવના સંદર્ભમાં પણ હાલમાં આવી જ ચર્ચા ચાલી રહી છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી વારંવાર એવી દલીલ કરે છે કે, કોંગ્રેસના નેતૃત્વ હેઠળની પૂર્વ યુપીએ સરકાર દ્વારા ઊભા કરાયેલા ‘ઓઇલ બોન્ડ’ના કારણે સરકારી તિજોરી પર ભારે બોજ હતો, જેના લીધે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડી શકાતા નહોતા. હવે નાણા મંત્રીએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે આ દેવું માર્ચ 2026 સુધીમાં સંપૂર્ણપણે ચૂકવી દેવાયું છે. આ સ્થિતિમાં સામાન્ય જનતાના મનમાં એક જ સવાલ છે, જો દેવું ઉતરી ગયું તો શું હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે? ચાલો, આ સમગ્ર મુદ્દાને વિગતવાર સમજીએ.
‘ઓઇલ બોન્ડ’ એ એક પ્રકારનું નાણાકીય સાધન હતું, જે તત્કાલીન યુપીએ સરકાર દ્વારા 2005થી 2010ની વચ્ચે બહાર પડાયા હતા. તે સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ $100 પ્રતિ બેરલની ઉપર પહોંચી ગયા હતા. લોકોને મોંઘવારીથી રાહત આપવા યુપીએ સરકાર ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ જેવી ઓઈલ કંપનીઓને રોકડ સબસિડી આપતી હતી. પરંતુ નાણાકીય તંગીને કારણે યુપીએ સરકારે ઓઈલ કંપનીઓને રોકડના બદલે ઓઇલ બોન્ડ આપ્યા. સરળ ભાષામાં કહીએ તો સરકારે ભવિષ્યમાં ચૂકવવાના વચન સાથે IOU(I Owe You) નોંધ આપી. આ બોન્ડ પર 7%થી 8.4%નો વ્યાજ દર નક્કી કરાયો હતો. મહત્ત્વની વાત એ હતી કે આ બોન્ડને સરકારી બજેટની બહાર રખાયા હતા, જેથી નાણાકીય ખાધ ઓછી દેખાય.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં આપેલા નિવેદન મુજબ 2004-05થી 2009-10 દરમિયાન યુપીએ સરકાર દ્વારા કુલ ₹1.48 લાખ કરોડના ઓઇલ બોન્ડ જાહેર કરાયા હતા. આ બોન્ડ પર ચૂકવેલા વ્યાજની કુલ રકમ 2007-08થી અત્યાર સુધીમાં લગભગ ₹1.44 લાખ કરોડ થાય છે. એટલે કે, મૂળ દેવું અને તેના વ્યાજ સહિત કુલ બોજ લગભગ ₹2.92 લાખ કરોડનો થયો હતો.
નાણા મંત્રી નિર્મલા સીતારમણે માર્ચ 2026ની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે, અમારી સરકારે યુપીએ યુગના આ ઓઇલ બોન્ડનું સંપૂર્ણ દેવું (મૂળધન+વ્યાજ) ચૂકવી દીધુ છે. રાજ્યસભામાં એક ચર્ચા દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ‘કલ્પના કરો, જો આ રકમ ભૂતકાળના દેવાની ચૂકવણી પાછળ ન ખર્ચાઈ હોત, તો તેનો ઉપયોગ ભારતના ભવિષ્યના નિર્માણમાં થઈ શક્યો હોત. બંદરો, રસ્તા, હોસ્પિટલો અને સ્કૂલોના નિર્માણ માટે એ નાણાં વાપરી શકાયા હોત. આવું દેવું નાબૂદ કરવું ખર્ચાળ હોય છે, પરંતુ તે જરૂરી હતું.’ આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે સરકારે આ દેવાને પોતાના માટે મોટો બોજ ગણાવ્યો હતો.
હવે પ્રશ્ન એ છે કે શું આટલા વર્ષો સુધી પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવ માટે ફક્ત આ ₹2.92 લાખ કરોડના દેવાને જ જવાબદાર ઠેરવી શકાય? કેટલાક આંકડા પર નજર કરીએ.
સરકારની કમાણી: નાણામંત્રીના જણાવ્યા મુજબ આ દેવું ₹2.92 લાખ કરોડનું હતું. પરંતુ સરકારે 2014થી 2023ની વચ્ચે પેટ્રોલ અને ડીઝલ પર વસૂલાતી એક્સાઇઝ ડ્યુટીમાંથી કેટલી કમાણી કરી હતી? વિવિધ અહેવાલો અને સંસદમાં આપેલા જવાબો પ્રમાણે આ સમયગાળામાં સરકારે આ ડ્યુટીમાંથી અંદાજે ₹20થી ₹25 લાખ કરોડની આવક મેળવી હતી.
એક્સાઇઝ ડ્યુટીમાં થયેલો ભારે વધારો: 2014માં પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી ₹9.48 પ્રતિ લિટર હતી, જે મે 2020માં વધીને ₹32.98 પ્રતિ લિટરની ટોચે પહોંચી ગઈ હતી. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC)ના ડેટા અનુસાર 2020-21માં એક્સાઇઝ ડ્યુટી કલેક્શન ₹3.84 લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ હતું, જે અગાઉના વર્ષ કરતાં લગભગ 67% વધુ હતું.
આ બે આંકડાની તુલનાથી સ્પષ્ટ થાય છે કે સરકારે ઓઇલ બોન્ડના દેવા કરતાં અનેક ગણી વધુ કમાણી માત્ર એક્સાઇઝ ડ્યુટીમાંથી જ કરી હતી. તેથી સવાલ છે કે શું દેવાનો બોજ એ ખરેખર ભાવ ઘટાડી ન શકવાનું મુખ્ય કારણ હતું કે પછી તે એક બહાનું હતું?
પેટ્રોલ-ડીઝલના ભાવને અસર કરતા અન્ય પરિબળો
- આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ: આ સૌથી મોટું પરિબળ છે. ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85% ક્રૂડ ઓઇલ આયાત કરે છે, તેથી આંતરરાષ્ટ્રીય ભાવમાં થતો ફેરફાર સીધી અસર કરે છે. હાલમાં યુદ્ધના કારણે ભાવ ઊંચા છે.
- ડૉલર સામે રૂપિયાનો ભાવ: આંતરરાષ્ટ્રીય વ્યવહારો ડૉલરમાં થતા હોવાથી રૂપિયો નબળો પડે તો આયાત મોંઘી પડે છે.
- કેન્દ્રીય અને રાજ્ય કર: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સૌથી મોટો હિસ્સો કરનો હોય છે. કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટી વસૂલે છે, જે હાલમાં પેટ્રોલ પર લગભગ ₹21.90 પ્રતિ લિટર અને ડીઝલ પર ₹17.80 પ્રતિ લિટર છે. આ ઉપરાંત, રાજ્ય સરકારો પોતપોતાના ‘વેટ’ વસૂલે છે, જેના કારણે દરેક રાજ્યમાં ભાવ જુદા હોય છે.
યુદ્ધના સંજોગોમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટશે?
હવે દેવું ચૂકવાઈ ગયું છે, પરંતુ હાલના સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને પ્રભાવિત કરતા બીજા અનેક પરિબળો સક્રિય છે, જેના કારણે તાત્કાલિક રાહતની આશા ઓછી દેખાય છે.
- ભૂ-રાજકીય તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવ: હાલમાં મધ્ય-પૂર્વ એશિયામાં ઈઝરાયલ-ઇરાન યુદ્ધને કારણે પરિસ્થિતિ અત્યંત તંગ છે. ઈરાને હોર્મુઝની ખાડીમાંથી પસાર થતાં ઊર્જા ઉત્પાદનોને મર્યાદિત કરી દીધા છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. 19 માર્ચ, 2026ના રોજ બ્રેન્ટ ક્રૂડનો ભાવ વધીને $112 પ્રતિ બેરલથી ઉપર પહોંચી ગયો હતો.
- હોર્મુઝની ખાડીનું મહત્ત્વ: ભારત તેની ક્રૂડ ઓઇલની લગભગ 85% અને એલપીજીની 65% જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે, જેમાંથી 90% એલપીજી હોર્મુઝની ખાડીમાંથી પસાર થાય છે. આ માર્ગ પરની અનિશ્ચિતતા સીધી રીતે ભારતની ઊર્જા સુરક્ષા અને ભાવોને અસર કરે છે.
- સરકારની તૈયારી: સંભવિત સંકટને ધ્યાનમાં રાખીને સરકારે સક્રિય પગલાં લીધાં છે. નાણા મંત્રીના મતે, દેશમાં એલપીજીનું ઉત્પાદન 25% વધારાયું છે, જેથી ઘરગથ્થુ ગેસ સિલિન્ડરનો પુરવઠો સુનિશ્ચિત રાખી શકાય. સરકાર પાસે કરવેરામાં ઘટાડો કરીને ભાવને નિયંત્રણમાં રાખવાનો વિકલ્પ પણ છે, પરંતુ તેની મર્યાદાઓ છે.
તો શું ભાવ ઘટવાની શક્યતા નહીંવત છે?
ઓઇલ બોન્ડનો ઐતિહાસિક બોજો હવે નથી રહ્યો, પરંતુ હાલના ભૂ-રાજકીય સંકટ અને તેના કારણે આસમાને પહોંચેલા ક્રૂડ ઓઇલના ભાવને જોતાં ટૂંકા ગાળામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી. નિષ્ણાતોના મતે ક્રૂડનો ભાવ $70-75 પ્રતિ બેરલ સુધી નીચો જાય તો જ સરકાર કરમાં ઘટાડો કરવાનું વિચારી શકે છે. હાલની પરિસ્થિતિમાં આગામી સમયમાં પણ ભાવ સ્થિર રહેવાની અથવા વધવાની જ શક્યતા વધુ છે, તેથી સામાન્ય જનતાએ પેટ્રોલ-ડીઝલના ભાવઘટાડા માટે હજુ રાહ જોવી પડશે.


