મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષની અસર હવે માત્ર સરહદો પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તેની અસર સામાન્ય માણસના રસોડા અને ખિસ્સા પર પણ જોવા મળી રહી છે.
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષની અસર હવે માત્ર સરહદો પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તેની અસર સામાન્ય માણસના રસોડા અને ખિસ્સા પર પણ જોવા મળી રહી છે. એકતરફ ગેસ સપ્લાયમાં આવેલા વિક્ષેપને કારણે ભારત સરકારે કોમર્શિયલ ગેસ સપ્લાય બંધ કરીને ઘરેલુ પુરવઠાને પ્રાથમિકતા આપી છે, ત્યારે બીજી તરફ ફૂડ ડિલિવરી ક્ષેત્રની દિગ્ગજ કંપની ઝોમેટો (Zomato) એ તેની પ્લેટફોર્મ ફીમાં મોટો વધારો ઝીંકી દીધો છે.
ઝોમેટોએ તેના પ્લેટફોર્મ પરથી ફૂડ ઓર્ડર કરવા માટેની ફીમાં 19%નો વધારો કર્યો છે. આજથી એટલે કે 20 માર્ચ, 2026 થી અમલી બનેલા નવા દરો મુજબ, હવે ગ્રાહકોએ દરેક ઓર્ડર પર ₹14.90 પ્લેટફોર્મ ફી ચૂકવવી પડશે. અગાઉ આ ફી ₹12.50 હતી. એટલે કે હવે દરેક ઓર્ડર પર સીધો ₹2.40 નો બોજ વધ્યો છે. આ ચાર્જ રેસ્ટોરન્ટના ભાવ, ડિલિવરી ચાર્જ અને GST ઉપરાંતનો રહેશે.

નોંધનીય છે કે આ વધારો એવા સમયે આવ્યો છે જ્યારે મધ્ય પૂર્વમાં યુદ્ધને કારણે એલપીજી (LPG) સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. ગેસના મર્યાદિત પુરવઠાને કારણે સરકારે કોમર્શિયલ સિલિન્ડરના વેચાણ પર નિયંત્રણો લાદ્યા છે. આ આર્થિક દબાણ અને ઓપરેશનલ ખર્ચ વધવાને કારણે ઝોમેટો જેવી કંપનીઓ ગ્રાહકો પાસેથી વધુ ચાર્જ વસૂલી રહી છે.
જો આપણે ઝોમેટોના પ્લેટફોર્મ ફીના ઇતિહાસ પર નજર કરીએ, તો વર્ષ 2023માં કંપની માત્ર ₹2 ફી વસૂલતી હતી. જોકે, છેલ્લા એક વર્ષમાં કંપનીએ તબક્કાવાર રીતે અનેક વખત ફીમાં વધારો કર્યો છે. હવે આ ફી વધીને ₹14.90 સુધી પહોંચી ગઈ છે. જે લોકો વારંવાર ઓનલાઇન ફૂડ ઓર્ડર કરે છે, તેમના
દરેક ઓર્ડર પર વધારાના ૧૫ રૂપિયા ચૂકવવા એ સામાન્ય મધ્યમ વર્ગના ગ્રાહકો માટે આંચકા સમાન છે. ખાસ કરીને જ્યારે ગેસ અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને હોય, ત્યારે બહારથી જમવાનું મંગાવવું હવે મોંઘો સોદો બની રહ્યો છે.


