HomeRashifalBusinessBusiness : AirIndiની ભૂલને કારણે ફ્લાઈટ અધવચ્ચેથી પાછી વળી, મુસાફરો કલાકો સુધી...

Business : AirIndiની ભૂલને કારણે ફ્લાઈટ અધવચ્ચેથી પાછી વળી, મુસાફરો કલાકો સુધી હવામાં રઝળ્યા

એર ઈન્ડિયાની આંતરરાષ્ટ્રીય સેવામાં એક અત્યંત ચોંકાવનારી બેદરકારી સામે આવી છે. દિલ્હીથી કેનેડાના વેન્કુવર જવા માટે રવાના થયેલી ફ્લાઈટ AI-185 ને ટેક-ઓફના સાત કલાક બાદ ફરી દિલ્હી એરપોર્ટ પર ઉતરવું પડ્યું હતું

એર ઈન્ડિયાની આંતરરાષ્ટ્રીય સેવામાં એક અત્યંત ચોંકાવનારી બેદરકારી સામે આવી છે. દિલ્હીથી કેનેડાના વેન્કુવર જવા માટે રવાના થયેલી ફ્લાઈટ AI-185 ને ટેક-ઓફના સાત કલાક બાદ ફરી દિલ્હી એરપોર્ટ પર ઉતરવું પડ્યું હતું. આ ઘટના પાછળ કોઈ ટેકનિકલ ખામી કે ખરાબ હવામાન નહીં, પરંતુ એરલાઈન મેનેજમેન્ટની વહીવટી ભૂલ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. વિમાન જ્યારે ચીનના આકાશમાં કુનમિંગ પાસે પહોંચ્યું ત્યારે એરલાઈન અધિકારીઓને ભાન થયું કે જે વિમાન હવામાં ઉડી રહ્યું છે તેને કેનેડાના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની કે ત્યાં લેન્ડ કરવાની કાયદેસરની મંજૂરી જ નથી.

વિગતો મુજબ, આ ફ્લાઈટ સવારે 11.34 વાગ્યે દિલ્હીથી રવાના થઈ હતી. મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા યુદ્ધ અને સંઘર્ષને કારણે વિમાને પૂર્વ દિશાનો રૂટ પસંદ કર્યો હતો. વિમાનમાં સેંકડો મુસાફરો સવાર હતા જેઓ કેનેડા પહોંચવાની આશામાં હતા. જોકે, લગભગ ચાર કલાકની મુસાફરી બાદ જ્યારે વિમાન ચીન સુધી પહોંચ્યું, ત્યારે જાણવા મળ્યું કે એર ઈન્ડિયાએ આ રૂટ પર બોઇંગ 777-200LR વિમાન તૈનાત કર્યું છે, જ્યારે કેનેડાની રેગ્યુલેટરી ઓથોરિટી પાસેથી એર ઈન્ડિયાને માત્ર તેના બોઇંગ 777-300ER ફ્લીટ માટે જ સંચાલન કરવાની પરવાનગી મળેલી છે.

આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન નિયમો મુજબ, ઘણા દેશો એરલાઈન્સને માત્ર ચોક્કસ પ્રકારના વિમાન મોડેલ અથવા ટેલ નંબરના આધારે જ લેન્ડિંગની મંજૂરી આપે છે. એર ઈન્ડિયા આ નિયમનું પાલન કરવામાં નિષ્ફળ રહી હતી. જેવી આ ભૂલની જાણ થઈ કે તરત જ પાયલોટને વિમાન પાછું વાળવાનો આદેશ આપવામાં આવ્યો હતો. વિમાન સાંજે આશરે 7:19 વાગ્યે દિલ્હીના રનવે પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું હતું. સદનસીબે, તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત હતા, પરંતુ કલાકો સુધી હવામાં રહ્યા બાદ ફરી એ જ જગ્યાએ પરત આવતા મુસાફરોમાં રોષ અને આશ્ચર્ય જોવા મળ્યું હતું.

એર ઈન્ડિયાએ આ આખી ઘટનાને ‘ઓપરેશનલ ઈસ્યુ’ ગણાવતા સત્તાવાર નિવેદન જારી કર્યું હતું. એરલાઈને જણાવ્યું કે મુસાફરોની સુરક્ષા અને સ્ટાન્ડર્ડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને વિમાન પરત બોલાવવાનો નિર્ણય લેવાયો હતો. દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ મુસાફરોને હોટલ અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. એરલાઈને આ અસુવિધા બદલ માફી માંગી હતી અને બીજા દિવસે સવારે યોગ્ય વિમાન (બોઇંગ 777-300ER) દ્વારા તમામ મુસાફરોને વેન્કુવર મોકલવાની વ્યવસ્થા કરી હતી. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર પણ ચર્ચા જગાવી છે કે આટલી મોટી એરલાઈન આવી પાયાની વહીવટી ભૂલ કેવી રીતે કરી શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments